News of Thursday, 18th June 2026
થલાપતિ વિજયનો દબદબો: વિધાનસભાના પહેલા જ દિવસે કેન્દ્ર સરકારને પડકારી: રાજ્યપાલને આ રીતે કંટ્રોલમાં રાખ્યા
અભિનેતામાંથી મુખ્યમંત્રી બનેલા વિજયે ગીતના વિવાદનો કુશળ ઉકેલ લાવ્યા બાદ જાતિ ગણતરી : દ્વિ-ભાષા નીતિ અને ફંડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાની કડક ચેતવણી આપી

ચેન્નઈ: તમિલનાડુના રાજકારણમાં ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર આવેલા અભિનેતા અને તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) ના વડા સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) એ વિધાનસભાના પ્રથમ દિવસે જ પોતાના આક્રમક તેવર બતાવી દીધા છે. ભૂતકાળમાં રાષ્ટ્રગીત અને તમિલ ગીત "તમિલ થાઈ વૈથુ" ના ક્રમ અંગે વિપક્ષ ડીએમકે (DMK) ના નિશાના પર રહેલા મુખ્યમંત્રી વિજયે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ પહેલા તમિલ ગીત અને તુરંત બાદ રાષ્ટ્રગીત ગવડાવીને રાજ્યપાલના સંભવિત રોષ અને વિપક્ષી હુમલાને કુશળતાપૂર્વક શાંત કરી દીધો હતો. આ સાથે જ તેમણે ડીએમકેના એ આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો જેમાં કહેવાતું હતું કે ટીવીકે સરકાર ભાજપ સામે સીધો મોરચો માંડતા ડરે છે.
મુખ્યમંત્રી વિજયે રાજ્યપાલના સંબોધન દ્વારા કેન્દ્ર સરકાર સામે સીધો પડકાર ફેંક્યો છે. તમિલનાડુ સરકારે જાહેરાત કરી છે કે તે કેન્દ્રને રાષ્ટ્રીય વસ્તી ગણતરીના ભાગ રૂપે જાતિ આધારિત ગણતરી કરવા વિનંતી કરશે અને ત્યારબાદ રાજ્યમાં વ્યાપક સામાજિક સર્વેક્ષણ હાથ ધરશે. આ ઉપરાંત, કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો પર આકરા પ્રહારો કરતા સરકારે સ્પષ્ટ કર્યું કે જો નવી શિક્ષણ નીતિ (NEP) અને ત્રિ-ભાષા પ્રણાલીનો સ્વીકાર ન કરવા બદલ કેન્દ્ર સરકાર રાજ્યના હક્કના ₹૩,૪૫૮ કરોડ રોકી રાખશે, તો તેઓ વકીલોની વિશેષ ટીમ બનાવીને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે અને કેન્દ્રના કથિત ભેદભાવને જનતા સમક્ષ ખુલ્લો પાડશે.
શિક્ષણ અને ભાષાના મોરચે વિજય સરકારે ૧૯૬૮માં પૂર્વ મુખ્યમંત્રી સી.એન. અન્નાદુરાઈ દ્વારા અપનાવાયેલી 'દ્વિ-ભાષા નીતિ' (તમિલ અને અંગ્રેજી) પ્રત્યે જ અડગ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને ત્રિ-ભાષા નીતિનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. NEET પેપર લીક મુદ્દે કેન્દ્રની આકરી આલોચના કરતા વિજયે માંગ કરી છે કે શિક્ષણને સમવર્તી યાદીમાંથી હટાવીને ફરી રાજ્યનો વિષય બનાવવામાં આવે. બીજી તરફ, રાજ્યની નબળી આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર બહાર પાડી સરકારે જણાવ્યું કે પાંચ વર્ષમાં તમિલનાડુ પર ₹૧૦ લાખ કરોડનું દેવું થઈ ગયું છે, જે અંતર્ગત દરેક નાગરિક પર ₹૧ લાખનું કરજ છે. આ નાણાકીય કટોકટી વચ્ચે પણ ચૂંટણીલક્ષી વચનો પૂરા કરવા માટે સરકારે દારૂ ઉત્પાદકો પર નવો ટેક્સ લાદ્યો છે, જેનાથી વાર્ષિક ₹૧,૦૦૦ કરોડની વધારાની આવક થશે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
