News of Friday, 8th May 2026
થલપથી વિજય સામે અસ્તિત્વનું સંકટ! તમિલનાડુની 'સિસ્ટમ' સાફ કરશે કે પછી જૂની રાજનીતિના કાદવમાં ડૂબી જશે?
લોકોએ દ્રવિડિયન પક્ષોના વિકલ્પ તરીકે પસંદ કર્યા, પણ હવે સત્તા માટે કોંગ્રેસ અને ડાબેરીઓના ટેકાની જરૂર: શું વિજય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરી રહ્યા છે?

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટાર વિજયે પોતાની પાર્ટી TVK (તમિલગા વેત્રી કઝગમ) દ્વારા ધમાકેદાર એન્ટ્રી કરીને પ્રસ્થાપિત પક્ષોના પાયા હચમચાવી દીધા છે. જનતાએ તેમને DMK અને AIADMKના દાયકાઓ જૂના શાસનના વિકલ્પ તરીકે જોયા છે. પરંતુ, સત્તાના ઉંબરે ઉભેલા વિજય સામે અત્યારે સૌથી મોટો નૈતિક પ્રશ્ન એ છે કે, શું તેઓ તે જ જૂની વ્યવસ્થાના ભાગીદાર બનીને સરકાર બનાવશે જેને તેઓ ખતમ કરવા માંગતા હતા?
ચૂંટણી પ્રચાર દરમિયાન વિજયે પોતાને ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વિરોધી નેતા તરીકે રજૂ કર્યા હતા. હવે જ્યારે સરકાર બનાવવા માટે તેમને કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK જેવા જૂના ગઠબંધનના સાથીઓની મદદ લેવી પડી રહી છે, ત્યારે વિવેચકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ જનતાના જનાદેશનું અપમાન નથી? જો જનતાને એ જ જૂના ગઠબંધન અને વિચારધારા જોઈતી હોત, તો તેમણે સીધો જૂના પક્ષોને જ વોટ ન આપ્યો હોત?
વિજય પાસે અત્યારે બે રસ્તા છે. પ્રથમ રસ્તો એ છે કે તેઓ સત્તાના લોભમાં પડ્યા વગર ફરીથી જનતા વચ્ચે જાય અને સ્પષ્ટ બહુમતી માંગે, જે તેમની નૈતિક છબી મજબૂત બનાવશે. અગાઉ અટલ બિહાર વાજપીયી અને અરવિંદ કેજરીવાલે પણ આવા કઠોર નિર્ણયો લઈને પોતાની વિશ્વસનીયતા સાબિત કરી હતી. બીજો રસ્તો ગઠબંધન કરીને મુખ્યમંત્રી બનવાનો છે, પરંતુ તેનાથી 'બદલાવ' અને 'સત્તાના લાલચ' વચ્ચેની રેખા ધૂંધળી થઈ જવાની ભીતિ છે.
તમિલનાડુની જનતા અત્યારે આતુરતાથી જોઈ રહી છે કે તેમનો 'થલપથી' સિસ્ટમમાં પરિવર્તન લાવે છે કે પછી પોતે જ આ સિસ્ટમનો એક હિસ્સો બનીને રહી જાય છે. વિજયે સાબિત કરવું પડશે કે તેઓ માત્ર સરકાર ચલાવવા નહીં, પરંતુ દક્ષિણ ભારતની રાજનીતિની તાસીર બદલવા આવ્યા છે. તેમની પારદર્શિતા અને આગામી પગલાં જ તેમનું ભવિષ્ય નક્કી કરશે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
