<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

દિલ્‍હી-NCRમાં ભયંકર ટ્રાફિક જામ, કલાકો સુધી લોકો ગાડીઓમાં ફસાયા

એક તરફ જ્‍યાં દિવાળીને જોતા ખરીદી ચાલુ થઈ ગઈ છે ત્‍યાં દિલ્‍હીમાં કેટલીય જગ્‍યા પર ભીષણ ટ્રાફિક જામ

નવી દિલ્‍હી,તા.૪: એક તરફ જ્‍યાં દિવાળીને જોતા ખરીદી ચાલુ થઈ ગઈ છે ત્‍યાં દિલ્‍હીમાં કેટલીય જગ્‍યા પર ભીષણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તહેવારોની ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી રહી છે જેના કારણે કેટલાય વિસ્‍તારોમાં લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે. રોડ પર વાહનોની લાંબી લાઈનો દેખાઈ રહી છે, જેનાથી વાહનવ્‍યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે.

દિલ્‍હીના ધૌલા કુઆં વિસ્‍તારમાં મંગળવારે રાત્રે ભારે ટ્રાફિક જામ જોવા મળ્‍યો હતો. રાત્રે ૯ વાગ્‍યે ૩૧ મિનિટે સામે આવેલા લ્લશ્‍યોમાં રસ્‍તા પર મોટી સંખ્‍યામાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તહેવારોની ખરીદીના કારણે રસ્‍તાઓ પર વધેલી ભીડને ટ્રાફિક જામનું મુખ્‍ય કારણ માનવામાં આવી રહ્યું છે.

અહીં ઉલ્‍લેખનીય છે કે, આ પહેલાં ૨ નવેમ્‍બરના રોજ પણ દિલ્‍હીમાં ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્‍યો હતો. ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીને કારણે સોમવારે રાજધાનીને અડીને આવેલા અનેક સરહદી વિસ્‍તારોમાં ભયાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. દિલ્‍હી-ગુરુગ્રામ, દિલ્‍હી-નોઈડા અને દિલ્‍હી-ગાઝિયાબાદ સહિતના અનેક મુખ્‍ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે અનેક મુસાફરો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા.

પોલીસે રવિવારથી સોમવાર બપોર સુધીમાં કુલ ૭,૬૫૭ વાહનોની તપાસ કરી હતી. આ દરમિયાન પ્રદૂષણના નિયમોનું પાલન ન કરનારા ૬૦૯ વાહનોને દિલ્‍હીમાં પ્રવેશતા અટકાવીને પરત મોકલી દેવામાં આવ્‍યા હતા.

દિલ્‍હી ટ્રાફિક પોલીસના જણાવ્‍યા અનુસાર, GRAP અંતર્ગત ૩૧ ઓક્‍ટોબરની મધરાતથી ૨ નવેમ્‍બરની બપોર સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. આ દરમિયાન નો-એન્‍ટ્રીના નિયમોનું ઉલ્‍લંઘન કરવા બદલ ૪૩૩ ચલણ ફટકારવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત, ૭૬ કોમર્શિયલ વાહનોની પરમિટ સસ્‍પેન્‍ડ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આમાંથી ૧૦ વાહનો દિલ્‍હીમાં નોંધાયેલા છે, જ્‍યારે ૬૬ વાહનો અન્‍ય રાજ્‍યોમાં નોંધાયેલા છે. અન્‍ય રાજ્‍યોમાં નોંધાયેલા વાહનો સામે કાર્યવાહી કરવા માટે સંબંધિત પ્રાદેશિક પરિવહન સત્તામંડળોને ભલામણ મોકલવામાં આવી છે.

(9:59 AM IST)