વિશ્વમાં ફરી તણાવ : ઈરાને હોર્મુઝની સામુદ્રધુની ખોલવાનો નિર્ણય પાછો ખેંચ્યો : અમેરિકાના ‘બ્લોકેડ’ સામે આકરું વલણ : ગાલિબાફે ટ્રમ્પના નિવેદનોને સખત શબ્દોમાં નકારતા કહ્યું કે 'ટ્રમ્પે એક કલાકમાં સાત દાવા કર્યા અને તે સાતેય ખોટા'
ટ્રમ્પના દાવાઓને ઈરાને પાયાવિહોણા ગણાવ્યા : સામુદ્રધુનીમાંથી પસાર થવા ઈરાનની મંજૂરી અને નિયત માર્ગો જ અનિવાર્ય : સોમવારે પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે શાંતિ વાર્તાના એંધાણ

તેહરાન : વૈશ્વિક અર્થતંત્ર અને દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને લઈને ફરી એકવાર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. ઈરાને અમેરિકા દ્વારા ચાલુ રાખવામાં આવેલા આર્થિક અને લશ્કરી બ્લોકેડના વિરોધમાં આ દરિયાઈ માર્ગ ખોલવાનો પોતાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. ઈરાની સંસદના સ્પીકર એમ.બી. ગાલિબાફે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ નહીં બદલે ત્યાં સુધી આ મહત્વપૂર્ણ જળમાર્ગ ખુલ્લો રહેશે નહીં.
ટ્રમ્પના દાવા અને ઈરાનનો પલટવાર:
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ઈરાન સાથેની સ્થિતિ સુધરી રહી છે અને હોર્મુઝનો માર્ગ ખુલ્લો રહેશે. જોકે, ગાલિબાફે ટ્રમ્પના આ નિવેદનોને સખત શબ્દોમાં નકારતા કહ્યું કે ટ્રમ્પે એક કલાકમાં સાત દાવા કર્યા અને સાતેય ખોટા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા અસત્યના સહારે આ યુદ્ધ જીતી શક્યું નથી અને વાતચીતમાં પણ સફળ થશે નહીં. સામુદ્રધુનીમાંથી પસાર થવા માટે હવે ઈરાનની મંજૂરી અને નિર્ધારિત માર્ગોનું પાલન કરવું ફરજિયાત રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે રસ્તો ખુલ્લો છે કે બંધ તે સોશિયલ મીડિયા નહીં પણ જમીની સ્થિતિ અને ઈરાનના નિયમો નક્કી કરશે.
૨૦ એપ્રિલે પાકિસ્તાનમાં મહત્વની બેઠક:
એક તરફ તણાવ વધી રહ્યો છે, તો બીજી તરફ શાંતિની આશા પણ જીવંત છે. વિવિધ મીડિયા અહેવાલો મુજબ, ૨૦ એપ્રિલ સોમવારના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાનો આગામી રાઉન્ડ યોજાય તેવી શક્યતા છે. પ્રમુખ ટ્રમ્પે આ અગાઉ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ઈરાન સાથે ટૂંક સમયમાં કાયમી સીઝફાયર (યુદ્ધવિરામ) થઈ શકે છે, જોકે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો વાતચીત સફળ નહીં થાય તો ઈરાનના યુરેનિયમ ભંડારને મેળવવા માટે અમેરિકા વધુ કડક પગલાં ભરી શકે છે.
સ્થિતિ હજુ પણ નાજુક:
શુક્રવારે એર ફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાન સાથેની સ્થિતિ ‘સારી દિશા’માં જઈ રહી હોવાનો સંકેત આપ્યો હતો, પરંતુ ઈરાનના તાજા નિર્ણયે ફરીથી વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે. ઈરાની પ્રજા મીડિયા વોરથી પ્રભાવિત થતી નથી તેવું નિવેદન આપી ગાલિબાફે અમેરિકાને મચક ન આપવાનો સંકેત આપ્યો છે. હવે સોમવારે ઇસ્લામાબાદમાં થનારી બેઠક પર આખા વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ માર્ગ બંધ રહેવાથી તેલ અને ગેસના વૈશ્વિક પુરવઠા પર મોટી અસર પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
