તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Saturday, 4th July 2026
ટેલિગ્રામ પર સરકારનું કડક વલણઃ ફિલ્મો-OTTની પાઈરસી બદલ કડક નોટિસ ફટકારી
ગેરકાયદેસર કન્ટેન્ટ બ્લોક કરવા માટે મજબૂત ઓટોમેટેડ સિસ્ટમ બનાવવી પડશે : ૧૫ દિવસમાં જવાબ રજૂ કરવા આદેશઃ માત્ર ફરિયાદો પર એક્શન લેવાના બહાના હવે નહીં ચાલે

નવી દિલ્હી, તા.૪: ડિજિટલ દુનિયામાં મુક્તપણે ચાલતા પાઈરસીના કાળા કારોબાર પર કેન્દ્ર સરકારે હવે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. નવી ફિલ્મો અને પોપ્યુલર વેબ સિરીઝ રિલીઝ થતાંની સાથે જ તેને મફતમાં વહેંચતા પ્લેટફોર્મ ‘ટેલિગ્રામ' સામે માહિતી અને પ્રસારણ મંત્રાલયે લાલ આંખ કરી છે. સરકારે ટેલિગ્રામને એક સખત કાનૂની નોટિસ ફટકારીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ડિજિટલ ચાંચિયાગીરી રોકવા માટે આગામી ૧૫ દિવસની અંદર ચોક્કસ અને સક્રિય કાર્યવાહીનો અહેવાલ સબમિટ કરવામાં આવે. હવે સરકાર માત્ર ગેરકાયદે ચેનલો બ્લોક કરવાથી સંતુષ્ટ નથી, પરંતુ આખા પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવાના મૂડમાં છે.
સરકારનું માનવું છે કે ઓનલાઈન પાઈરસી એ માત્ર મનોરંજન જગત પૂરતું નુકસાન નથી, પરંતુ દેશના સમગ્ર સર્જક અર્થતંત્ર અને સિનેમા ઉદ્યોગની કમર તોડી નાખતો ગંભીર ગુનો છે. મંત્રાલયે નોટિસમાં સાફ કર્યું છે કે આઈટી કાયદા, ૨૦૦૦ અને આઈટી નિયમો, ૨૦૨૧ હેઠળ ટેલિગ્રામ એક મધ્યસ્થી હોવાથી, તેની જવાબદારી માત્ર કોઈ ફરિયાદ કરે ત્યારે જ જાગવાની નથી. ટેલિગ્રામે પોતે જ એવું એડવાન્સ નેટવર્ક અને બોટ્સ તૈયાર કરવા પડશે જે કૉપિરાઇટ-ઉલ્લંઘન કરતી સામગ્રીને અપલોડ થતા જ આપમેળે ઓળખી લે, તેની એક્સેસ અટકાવે અને યુઝર્સ સુધી પહોંચવા ન દે.
આ આકરી કાર્યવાહી પાછળનો હેતુ એ છે કે ભૂતકાળમાં સરકારે આવી ૩,૦૦૦ થી વધુ પાઈરેટેડ ચેનલો પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં, દર વખતે નવા નામે ગેરકાયદે જૂથો સક્રિય થઈ જાય છે. ભારતમાં કૉપિરાઇટ અધિનિયમ, ૧૯૫૭ અને સિનેમેટોગ્રાફ અધિનિયમ, ૧૯૫૨ હેઠળ પાઈરસી એ જામીનપાત્ર નહીં પણ એક ગંભીર ફોજદારી ગુનો છે. તેથી, ફિલ્મો રિલીઝ થતાંની સાથે જ કલાકોમાં કરોડો રૂપિયાનું નુકસાન કરતા આ નેટવર્કના એડમિનિસ્ટ્રેટર્સ, લિંક્સ અને બોટ્સને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે ટેલિગ્રામની ફરિયાદ નિવારણ સિસ્ટમ કેટલી સક્ષમ છે, તેનો હિસાબ સરકારે માંગ્યો છે. જો ૧૫ દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો ટેલિગ્રામ પર કાનૂની સકંજો વધુ મજબૂત થઈ શકે છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
