<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ભગવાન ગણેશની સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં નહીં પરંતુ વિદેશમાં આવેલી છે: બ્રોન્ઝના ૮૫૪ ટુકડાઓને જોડીને બનાવવામાં આવી છે ભવ્ય મૂર્તિ

થાઈલેન્ડના ચાચોંગસાઓ પ્રદેશમાં આવેલી આ અદભુત પ્રતિમાનું નિર્માણ અનેક વિશેષતાઓથી સજ્જ, સાંસ્કૃતિક મહત્વ જોઈને દંગ રહી જશો

બેંગકોક :સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હિન્દુ ધર્મ અને દેવી-દેવતાઓના સૌથી મોટા સ્મારકો કે પ્રતિમાઓ માત્ર ભારતમાં જ જોવા મળે છે, પરંતુ એક ચોંકાવનારી હકીકત એ છે કે વિઘ્નહર્તા ભગવાન ગણેશની દુનિયાની સૌથી ઊંચી અને ભવ્ય પ્રતિમા ભારતમાં નહીં પરંતુ થાઈલેન્ડ દેશમાં સ્થાપિત કરવામાં આવી છે. આ અદ્ભુત પ્રતિમાને જોવા માટે દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.

થાઈલેન્ડના ચાચોંગસાઓ પ્રાંતમાં આવેલા 'ખ્લોંગ ખ્વાન ગણેશ ઇન્ટરનેશનલ પાર્ક' ખાતે આ વિશાળ પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાની ઊંચાઈ અંદાજે ૩૯ મીટર (લગભગ ૧૨૮ ફૂટ) એટલે કે લગભગ ૧૨ થી ૧૪ માળની ઇમા જેટલી ઊંચી છે. આ ભવ્ય મૂર્તિને કાંસા (બ્રોન્ઝ) ના કુલ ૮૫૪ અલગ-અલગ ટુકડાઓને એકસાથે જોડીને અત્યંત ઝીણવટપૂર્વક બનાવવામાં આવી છે, જેને પૂર્ણ થવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

આ પ્રતિમાની વિશેષતા એ છે કે તેમાં ભગવાન ગણેશના ચાર હાથમાં ચાર અલગ-અલગ પવિત્ર ચીજો દર્શાવવામાં આવી છે, જેમાં ફણસ (સમૃદ્ધિ માટે), શેરડી (મીઠાશ અને આનંદ માટે), કેળું (પોષણ માટે) અને આંબાનું ફળ (જ્ઞાન અને બુદ્ધિ માટે) સામેલ છે. થાઈ સંસ્કૃતિમાં ભગવાન ગણેશને 'ફ્રા ફિકાનેટ' તરીકે પૂજવામાં આવે છે અને તેમને સફળતા તથા વિઘ્નહર્તા દેવ તરીકે અત્યંત શ્રદ્ધાથી માનવામાં આવે છે.

ભૂતકાળમાં પણ એશિયાના અનેક દેશોમાં પ્રાચીન સમયથી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન પરંપરાનો પ્રભાવ જોવા મળતો રહ્યો છે, જેના અવશેષો આજે પણ ત્યાંની કળા અને આસ્થામાં જીવંત છે. હાલમાં થાઈલેન્ડનું આ ગણેશ પાર્ક એક મુખ્ય પ્રવાસન સ્થળ બની ગયું છે, અને આગામી સમયમાં આ સ્થાનને વૈશ્વિક સ્તરે ધાર્મિક પ્રવાસન કેન્દ્ર તરીકે વધુ વિકસાવવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

(1:31 PM IST)