<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીનું લઘુમતી મતદારોને મોટું આહ્વાન: 'જય શ્રી રામ' બોલવા મજબૂર નહીં કરીએ, 'ભારત માતા કી જય' કહો

૬ ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી પૂર્વે પશ્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં રેલી સંબોધી લઘુમતી મતદારોનું સમર્થન મેળવવા મિત્રતાનો હાથ લંબાવ્યો.

કોલકાતા : પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ૬ ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણીના પ્રચાર અર્થે શુક્રવારે યોજાયેલી જાહેર સભામાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ લઘુમતી મતદારોને સંબોધતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મુસ્લિમ વસ્તી ધરાવતા બિરુલિયા બજાર વિસ્તારમાં સમર્થન માંગતા સ્પષ્ટ કર્યું હતું કે પક્ષ તેમને "જય શ્રી રામ"ના નારા લગાવવા માટે મજબૂર નહીં કરે અને તેઓ તેના બદલે "ભારત માતા કી જય" બોલીને પણ પોતાનો સાથ આપી શકે છે.

 

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પૂર્બા મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ, દેબીપુર અને નારાયણચકમાં યોજાયેલી રેલીઓમાં સુવેન્દુ અધિકારીએ લઘુમતી સમુદાયને ભાજપ તરફ મિત્રતાનો હાથ લંબાવવા આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષી દળથી દૂર રહેવાથી લઘુમતીઓને કોઈ ફાયદો થશે નહીં, તેથી આ શુભ સમયે વિરોધ ભૂલીને વિકાસ કાર્યોમાં ભાગીદાર બનવું જોઈએ.

 

પ્રચાર દરમિયાન અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે શાસક પક્ષમાં આંતરિક ભાગલા પડ્યા બાદ હવે તેનું રાજ્યમાંથી નામોનિશાન ભૂંસાઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે અગાઉની ચૂંટણીઓમાં TMCને મળતું લઘુમતી સમુદાયનું સમર્થન હવે ઓસરી ગયું છે અને પક્ષ વાસ્તવમાં અસ્તિત્વવિહીન બની ચૂક્યો છે.

 

અધિકારીએ ભાજપના ઉમેદવાર હસીરાની રાઠ માટે પ્રચાર કરતા તેમના સ્વર્ગસ્થ અંગત સહાયક ચંદ્રનાથ રાઠની હત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચંદ્રનાથની હત્યા પાછળ ભાઈપો (ભત્રીજા) ગેંગનો હાથ હતો અને આ કાવતરા માટે ૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે, તપાસ એજન્સી CBI દ્વારા આ કેસમાં ૯૦ ટકા તપાસ પૂરી કરી ધરપકડો પણ કરવામાં આવી છે.

 

સરકારી યોજનાઓની ચર્ચા કરતા નેતાએ જણાવ્યુ હતું કે નંદીગ્રામ વિસ્તારમાં પીએમ આવાસ યોજના અને અન્નપૂર્ણા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ કોઈ પણ ભેદભાવ વિના લઘુમતી સમુદાયના લાભાર્થીઓને પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે ૨૦૨૧ અને ૨૦૨૬ની ચૂંટણીમાં મત ન આપ્યા હોવા છતાં સરકારે તમામ વર્ગોનો સમાન વિકાસ કર્યો છે.

 

નોંધનીય છે કે નંદીગ્રામ બેઠક પરથી અગાઉ મેળવેલી જીત બાદ આ વિસ્તારનો રાજકીય માહોલ ગરમાયેલો રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી માટે ઉમેદવારો અને ચિહ્નોની ફાળવણી બાદ હવે બંને પક્ષો વચ્ચે રાજકીય સંગ્રામ જામ્યો છે. આગામી ૬ ઓક્ટોબરે યોજાનાર મતદાન બાદ જ લઘુમતી મતદારોનો ઝુકાવ સ્પષ્ટ થશે.

(8:28 PM IST)