News of Thursday, 2nd July 2026
સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ, અમદાવાદ ડીસીપી ભરતકુમાર રાઠોડ અને રાજકોટ ડીસીપી રાકેશ દેસાઈ સહિત ૬ અધિકારીઓને આઇપીએસ (IPS) કેડરમાં મળ્યું પ્રમોશન
રાષ્ટ્રપતિના આદેશથી જીપીએસ કેડરના કલ્પેશકુમાર ચાવડા, પ્રફુલ વાનિયા અને રાજેશકુમાર પરમાર સહિતના અધિકારીઓ નોમિનેટ : કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર : તમામ પ્રોબેશન પર રહેશે

રાજકોટ: ગુજરાત પોલીસ બેડામાં લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી તેવા પ્રમોશનના મોટા ઓર્ડર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરજ બજાવતા ગુજરાત પોલીસ સેવા (GPS) ના ૬ વરિષ્ઠ અને બાહોશ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં પ્રમોશન આપવાની સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવી છે. દેશના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય પોલીસ સેવા (પદોન્નતિ દ્વારા નિયુક્તિ) વિનિયમ, ૧૯૫૫ ના વિનિયમ ૯ ના ઉપ-વિનિયમ (૧) ની સાથે પઠિત ભારતીય પોલીસ સેવા (ભરતી) વિનિયમ, ૧૯૫૪ ની જોગવાઈઓ હેઠળ આ મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રમોશન મેળવનારા આ તમામ ૬ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (સંવર્ગ) વિનિયમ, ૧૯૫૪ ના નિયમ ૫(૧) હેઠળ ગુજરાત કેડર જ ફાળવવામાં આવી છે, જેનાથી રાજ્યના પોલીસ તંત્રને નવા આઇપીએસ અધિકારીઓ મળ્યા છે.
ચયન સૂચી ૨૦૨૫ હેઠળ પ્રોબેશન પર નિયુક્ત અધિકારીઓની વિગતવાર યાદી:
સત્તાવાર નોટિફિકેશન નંબર I-14011/06/2026-IPS-I (E) (II) મુજબ, વર્ષ ૨૦૨૫ ની પસંદગી યાદીના આધારે આઇપીએસ કેડરમાં સ્થાન મેળવનારા અધિકારીઓ, તેમના વર્તમાન હોદ્દા અને જન્મતારીખની વિગતો નીચે મુજબ છે:
૧. રાજદીપસિંહ એન. નકુમ – (વર્તમાન હોદ્દો: ડીસીપી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ - SOG, સુરત શહેર) | જન્મતારીખ: ૦૧.૦૭.૧૯૮૦
૨. ભરતકુમાર બી. રાઠોડ – (વર્તમાન હોદ્દો: ડીસીપી, ઝોન-૨, અમદાવાદ શહેર) | જન્મતારીખ: ૧૯.૦૬.૧૯૮૧
૩. રાકેશ ડી. દેસાઈ – (વર્તમાન હોદ્દો: ડીસીપી, ઝોન-૨, રાજકોટ શહેર) | જન્મતારીખ: ૨૨.૦૬.૧૯૮૩
૪. કલ્પેશકુમાર ટી. ચાવડા – (વર્તમાન હોદ્દો: કમાન્ડન્ટ, એસઆરપી ગ્રુપ, ગોંડલ) | જન્મતારીખ: ૩૦.૦૯.૧૯૭૨
૫. પ્રફુલ વી. વાનિયા – જન્મતારીખ: ૦૧.૧૨.૧૯૭૫
૬. રાજેશકુમાર ટી. પરમાર – જન્મતારીખ: ૧૬.૧૦.૧૯૭૬
એક વર્ષ સુધી પ્રોબેશન અને ઇન્ડક્શન ટ્રેનિંગ મેળવવી ફરજિયાત:
નવી દિલ્હી ખાતેથી જાહેર થયેલા આદેશ અનુસાર, પ્રમોશન મેળવીને આઇપીએસ બનેલા આ તમામ અધિકારીઓ ભારતીય પોલીસ સેવા (પરિવીક્ષા) વિનિયમ, નિયમોના આધીન રહીને હાલમાં એક વર્ષના સમયગાળો માટે પ્રોબેશન (પરિવીક્ષા) હેઠળ વહીવટી દેખરેખમાં રહેશે. આ ઉપરાંત, ભારતીય પોલીસ સેવા (પરિવીક્ષા) વિનિયમ, ૧૯૫૪ ના નિયમ ૫(૪) માં તારીખ ૧૦.૦૫.૨૦૧૧ ના રોજ કરવામાં આવેલા સુધારા અને જોગવાઈઓ મુજબ, આ તમામ અધિકારીઓએ નિયત સમય મર્યાદામાં પોતાની ઇન્ડક્શન ટ્રેનિંગ (ખાસ તાલીમ) સફળતાપૂર્વક પૂર્ણ કરવાની રહેશે. આ પ્રમોશનના પગલે ગૃહ વિભાગ અને પોલીસ બેડા તરફથી તમામ અધિકારીઓ પર અભિનંદનની અપરંપાર વર્ષા થઈ રહી છે અને આગામી દિવસોમાં તેઓને નવા આઇપીએસ હોદ્દા સાથેના પોસ્ટિંગના ઓર્ડર આપવામાં આવશે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
