News of Thursday, 25th June 2026
તબીબી શિક્ષણ ક્ષેત્રે સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક ટિપ્પણી: "સરકારી ડોક્ટરો જનતાની સેવા કરે છે, સુપર-સ્પેશિયાલિટી બેઠકો માટે તેમનો કટ-ઓફ ઘટાડવો જ જોઈએ"
તમિલનાડુની 152 મેડિકલ બેઠકોના વિવાદ પર જસ્ટિસ નાગરત્નાની બેંચનો મહત્વનો મત; હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય ન મળતો હોવાની વાસ્તવિકતા સ્વીકારી

નવી દિલ્હી, તા. 25: દેશની સરકારી હોસ્પિટલોમાં દિવસ-રાત જનતાની સેવામાં કાર્યરત ડોક્ટરોની તરફેણમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રશંસનીય અને મોટો મત વ્યક્ત કર્યો છે. સર્વોચ્ચ અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઇન-સર્વિસ (સરકારી સેવામાં કાર્યરત) ડોક્ટરો માટે સુપર-સ્પેશિયાલિટી મેડિકલ બેઠકો માટે લાયકાતનો કટ-ઓફ (પર્સન્ટાઇલ) ઘટાડવો જોઈએ, કારણ કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે સાથે દેશના સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે.
શું છે સમગ્ર વિવાદ?
આ મામલો તમિલનાડુ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી અરજી સાથે જોડાયેલો છે. અરજીમાં માગ કરવામાં આવી હતી કે, શૈક્ષણિક વર્ષ 2025-26 માટે તમિલનાડુના સરકારી ડોક્ટરો માટે અનામત રાખવામાં આવેલી 152 ખાલી સુપર-સ્પેશિયાલિટી (DM અને M.Ch) બેઠકોને ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) માં ટ્રાન્સફર કરતા રોકવામાં આવે. આ બેઠકો સીધી ઓલ ઇન્ડિયા ક્વોટામાં જતી રહે તો રાજ્યના સરકારી ડોક્ટરોને મોટું નુકસાન થાય તેમ છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની વેકેશન બેન્ચે આ સંવેદનશીલ વિષય પર સુનાવણી હાથ ધરી હતી.
કોર્ટે સરકારી ડોક્ટરોની પીડા સમજી
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ નેશનલ મેડિકલ કમિશન (NMC) ને આડે હાથ લેતા પ્રશ્ન કર્યો કે, આ વર્ષે સુપર-સ્પેશિયાલિટી પ્રવેશ માટે કટ-ઓફ કેમ ઘટાડવામાં આવ્યો નથી? તેમણે સરકારી ડોક્ટરોની વાસ્તવિક સ્થિતિ પર ભાર મૂકતા કહ્યું કે, જે વિદ્યાર્થીઓ ઘરમાં બેસીને પૂર્ણ સમય પરીક્ષાની તૈયારી કરે છે, તેમને હોસ્પિટલોમાં 24 કલાક ફરજ બજાવતા ડોક્ટરો કરતાં વધુ ફાયદો મળે છે. જો કટ-ઓફ ઘટાડવામાં નહીં આવે, તો કોઈ પણ સરકારી ડોક્ટર ઉચ્ચ શિક્ષણ માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ જ નહીં લઈ શકે.
એનએમસી (NMC) ને અગાઉના નિયમોનું પાલન કરવા આદેશ
નેશનલ મેડિકલ કમિશન તરફથી દલીલ કરવામાં આવી હતી કે, બેઠકો ટ્રાન્સફર કરવાનો નિર્ણય કોર્ટના અગાઉના ચુકાદાઓ પર આધારિત છે. જો કે, સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગના બીજા રાઉન્ડ પર કોઈ નવો વચગાળો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને NMC ના વકીલને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, "ભૂતકાળના ઉદાહરણોનું પાલન કરો જ્યાં તમે ટકાવારી ઘટાડી હતી. પહેલા સરકારી ડોક્ટરો માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણ કરો અને ત્યારબાદ જ બાકી રહેલી બેઠકોને ઓલ ઇન્ડિયા ક્વોટામાં ફાળવો."
અદાલતે આ મામલે સંબંધિત તબીબી સત્તાધિકારીઓ પાસેથી લેખિત જવાબો માંગ્યા છે. હવે આ મામલાની આગામી સુનાવણી 15 જુલાઈના રોજ નિયત કરવામાં આવી છે. કોર્ટના આ હકારાત્મક વલણથી દેશભરના સરકારી ડોક્ટરોમાં આશાનું કિરણ જાગ્યું છે કે તેમને સુપર-સ્પેશિયાલિસ્ટ બનવાની યોગ્ય તક મળશે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
