તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 29th April 2026
નફરતી ભાષણો પર સુપ્રીમનો હથોડો: "નવા કાયદાની જરૂર નથી, જૂના જ કાફી છે"
ન્યાયતંત્ર કાયદો બનાવી શકતું નથી તેવું સ્પષ્ટ અવલોકન: પોલીસે FIR નોંધવામાં આળસ ન કરવી જોઈએ, બંધારણીય મર્યાદામાં રહીને સરકાર જ કરી શકે છે કાયદાકીય સુધારા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દ્વેષપૂર્ણ ભાષણ મામલે ઐતિહાસિક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે નફરત ફેલાવનારાઓને નાથવા માટે દેશમાં પૂરતા કાયદાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે. જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે દલીલ ફગાવી દીધી કે આ વિષયમાં કોઈ કાયદાકીય શૂન્યાવકાશ છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે IPC અને હવે નવી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ધાર્મિક ઉશ્કેરણી કે સામાજિક વૈમનસ્ય ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની તમામ જોગવાઈઓ મોજૂદ છે, તેથી અદાલતે નવા નિર્દેશો આપવાની કોઈ જરૂર નથી.
ન્યાયાધીશોએ સત્તાના વિભાજનનો ઉલ્લેખ કરી સ્પષ્ટ કર્યું કે અદાલતો કાયદાનું અર્થઘટન કરી શકે છે, પરંતુ તે બનાવી શકતી નથી. ગુનાની વ્યાખ્યા નક્કી કરવી કે સજામાં ફેરફાર કરવો એ સંસદ અને વિધાનમંડળનું કાર્ય છે. કોર્ટે ઉમેર્યું કે બંધારણીય અદાલતો સરકારને નવા કાયદા ઘડવા માટે મજબૂર કરી શકતી નથી, પરંતુ અસ્તિત્વમાં રહેલા કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો એ વહીવટીતંત્રની પ્રાથમિક જવાબદારી છે.
પોલીસની ભૂમિકા અંગે કોર્ટે ટકોર કરી કે નફરતી ભાષણ જેવો ગંભીર ગુનો બને ત્યારે તુરંત FIR નોંધવી એ પોલીસની ફરજિયાત જવાબદારી છે. જો સ્થાનિક સ્તરે કાર્યવાહી ન થાય તો નાગરિકો પાસે કાયદાકીય ઉપાયો ઉપલબ્ધ છે. આ ચુકાદો સ્પષ્ટ સંકેત આપે છે કે નફરત રોકવા માટે નવા કાયદા કરતા હાલની સિસ્ટમનો પ્રામાણિક અને નિષ્પક્ષ અમલ વધુ જરૂરી છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
