News of Monday, 3rd August 2026
સીબીઆઈ તપાસમાં અસહકાર બદલ સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: અરુણાચલના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને પાઠવ્યું પર્સનલ સમન્સ, ૨૪ ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા આદેશ
સીએમ પેમા ખાંડુના પરિવાર પર ₹૧,૨૭૦ કરોડના સરકારી કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ: તપાસ એજન્સીને સરકારી રેકોર્ડ્સ ન સોંપતા દેશની સર્વોચ્ચ અદાલતે લીધા કડક પગલાં.

ઈટાનગર : અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સામે ચાલી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની તપાસમાં રાજ્ય સરકાર દ્વારા સહકાર ન આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્યના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને આકરા શબ્દોમાં સમન્સ પાઠવીને ૨૪ ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે ૧૭ જુલાઈના રોજ સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા સ્ટેટસ રિપોર્ટની વિચારણા કર્યા બાદ આ આદેશ આપ્યો હતો. તપાસ એજન્સીએ અદાલતમાં ફરિયાદ કરી હતી કે રાજ્ય સરકાર તરફથી કેસને લગતા મહત્વપૂર્ણ રેકોર્ડ અને દસ્તાવેજો પૂરા પાડવામાં સતત અસહકાર કરવામાં આવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે બંને વરિષ્ઠ અધિકારીઓને કોર્ટના આદેશોનું પાલન ન કરવા અને તપાસમાં વિલંબ કરવા બદલ સ્પષ્ટતા રજૂ કરવા જણાવ્યું છે.
આ સમગ્ર વિવાદ 'સેવ મોન રિજન ફેડરેશન' નામની એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) માંથી ઊભો થયો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી પેમા ખાંડુએ પોતાના પદનો દુરુપયોગ કરીને પરિવારના સભ્યો અને નજીકના સહયોગીઓની કંપનીઓને કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટ ફાળવ્યા હતા. અંદાજે ₹૧,૨૪૫ કરોડના સરકારી પ્રોજેક્ટ્સ ટેન્ડર દ્વારા અને અન્ય ₹૨૫ કરોડના વર્ક ઓર્ડર તેમની પત્ની અને ભત્રીજાની માલિકીની ખાનગી કંપનીઓને આપવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૬માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં સીબીઆઈને પ્રાથમિક તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો અને ૧ જાન્યુઆરી, ૨૦૧૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ વચ્ચેના સરકારી કોન્ટ્રાક્ટ્સની તપાસ કરવાની મંજૂરી આપી હતી. તે સમયે અદાલતે રાજ્ય સરકારને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા અને નોડલ અધિકારીની નિમણૂક કરવા આદેશ કર્યો હતો. પરંતુ હવે રાજ્ય સરકારના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અસહકારની વાત સામે આવતા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
