<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

સુપ્રીમ કોર્ટ ઇલાહાબાદ હાઈકોર્ટ પર લાલઘૂમ: ‘સમજ નથી પડતી કે આ હાઈકોર્ટને તકલીફ શું છે?’, દહેજ હત્યાના આરોપીના જામીન રદ કરી જેલમાં મોકલવા આદેશ

પત્નીનું ગળું દબાવી હત્યા કરવાના ગંભીર કેસમાં જામીન આપવા બદલ જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે કરી આકરી ટકોર; આરોપીને એક સપ્તાહમાં સરેન્ડર થવા ફરમાન

નવી દિલ્હી, તા.30: દેશની સર્વોચ્ચ અદાલતે આજે ઇલાહાબાદ હાઈકોર્ટના એક નિર્ણય સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે એક ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, "આ હાઈકોર્ટ સાથે શું સમસ્યા છે તે સમજાતું નથી." આ મામલો લગ્ન પછી પત્નીની શંકાસ્પદ સંજોગોમાં થયેલી હત્યા સાથે જોડાયેલો હતો, જેમાં ઇલાહાબાદ હાઈકોર્ટે આરોપી પતિને જામીન આપી દીધા હતા. સુપ્રીમ કોર્ટે આ જામીન તાત્કાલિક અસરથી રદ કર્યા છે.
જસ્ટિસ પારડીવાલાની કડક પૂછપરછ
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. જ્યારે બચાવ પક્ષના વકીલે દલીલો આપવાનું શરૂ કર્યું, ત્યારે જસ્ટિસ પારડીવાલાએ તેમને અટકાવતા કહ્યું, "વકીલ સાહેબ, મુદ્દાની વાત કરો. લગ્નના સાત વર્ષની અંદર પત્નીનું મોત થયું છે અને તેના શરીર પર ઈજાના નિશાન છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આવા ગંભીર કેસમાં જામીન કેવી રીતે મળી શકે?"
‘હાઈકોર્ટ સાથે શું દિક્કત છે?’
સુનાવણી દરમિયાન કોર્ટે ઇલાહાબાદ હાઈકોર્ટના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે કહ્યું કે જ્યાં જામીન ન આપવા જોઈએ ત્યાં હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી રહી છે. યુપી સરકારના વકીલે જ્યારે એવી દલીલ કરી કે આરોપી 18 મહિનાથી જેલમાં હતો, ત્યારે કોર્ટે ગુસ્સામાં કહ્યું, "આ હત્યાનો કેસ છે, કલમ 304-બી હેઠળનો ગુનો છે. શું તમે ઈચ્છો છો કે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો અહીં જાહેર કરીએ?"
પરિવારની લડત અને કોર્ટનો આદેશ
આ કેસ મૃતક પત્નીના પિતાએ સુપ્રીમ કોર્ટમાં પહોંચાડ્યો હતો. તેમણે હાઈકોર્ટના જામીન આપવાના નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ પાસાઓને જોયા બાદ આરોપીને એક અઠવાડિયામાં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ નીચલી અદાલતને આ કેસનો ટ્રાયલ (સુનાવણી) એક વર્ષની અંદર પૂર્ણ કરવા માટે પણ સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી ન્યાયિક વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે.

(5:10 PM IST)