News of Sunday, 30th August 2026
નવી મુંબઈથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું સુરત એરપોર્ટ પર અચાનક ઈમરજન્સી લેન્ડિંગ
દીવ નજીક દરિયાઈ વિસ્તારમાં અચાનક હવામાનમાં મોટો પલટો આવતાં અને વિઝિબિલીટી ઘટતા પાયલટે વિમાનને નજીકના સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવા નિર્ણય લીધો

નવી મુંબઈથી દીવ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અચાનક સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી છે. દીવ નજીક દરિયાઈ વિસ્તારમાં અચાનક હવામાનમાં મોટો પલટો આવતાં અને વિઝિબિલીટી ઘટી જતાં ફ્લાઈટના પાયલટે સુરક્ષિતતાના ભાગરૂપે વિમાનને નજીકના સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ ફ્લાઈટમાં કુલ 42 મુસાફરો સવાર હતા. વિમાન જ્યારે પોતાના નક્કી રૂટ પર આગળ વધી રહ્યું હતું, ત્યારે દીવ નજીક આકાશમાં ભારે અસમાનતા અને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. પાયલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધ્યો હતો અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિમાનનું સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની મંજૂરી માગી હતી. એટીસી તરફથી તાત્કાલિક લીલી ઝંડી મળતાં જ પાયલટે સુઝબુઝ દાખવીને વિમાનને સુરત એરપોર્ટ પર સફળતાપૂર્વક ઉતાર્યું હતું.
સુરત એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગની જાણ થતાં જ એરપોર્ટ ઓથોરિટી અને ઈમરજન્સી સેવાઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સહિતની ટીમો રન-વે પર તૈનાત કરી દેવામાં આવી હતી. જોકે, પાયલટની ક્ષમતા અને અનુભવને કારણે વિમાનનું સુરક્ષિત અને લેન્ડિંગ થઈ શક્યું હતું, જેનાથી એરપોર્ટ તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, તમામ 42 મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ પણ મુસાફરને ઈજા કે શારીરિક તકલીફ થઈ નથી. એરપોર્ટ પ્રશાસન અને ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મુસાફરો માટે એરપોર્ટ પર જ રહેવા-જમવાની અને આગળની મુસાફરી માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવામાન સામાન્ય થતાં જ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોને દીવ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
