News of Wednesday, 7th October 2026
"હક્કની માંગણી કરતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રવિરોધી ન કહી શકાય": પુણે MPSC આંદોલનકારોના વિરોધના અધિકારને બોમ્બે હાઈકોર્ટે માન્ય રાખ્યો
MPSC ભરતી પ્રક્રિયાની ખામીઓ અને પેપર લીકના આરોપો અંગે બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ: મહારાષ્ટ્ર સરકારને પારદર્શિતા લાવી યુવાનોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા આદેશ: આંદોલનકારી વિદ્યાર્થીઓને નિયુક્ત સ્થળે શાંતિપૂર્ણ વિરોધ કરવા અને અભ્યાસ પર લક્ષ્ય કેન્દ્રિત કરવા કોર્ટની અપીલ

મુંબઈ : મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) ની ભરતી પ્રક્રિયામાં કથિત ગડબડ, અનિયમિતતાઓ અને પારદર્શિતાના અભાવ સામે પુણેમાં શેરીઓ પર ઉતરેલા હજારો વિદ્યાર્થીઓના સમર્થનમાં બોમ્બે હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોતાની વાજબી માંગણીઓ અને ચિંતાઓ માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં 'રાષ્ટ્રવિરોધી' કહી શકાય નહીં. ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે વિદ્યાર્થીઓની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરે અને સમગ્ર ભરતી પ્રક્રિયામાં તેમનો ખોવાયેલો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે નક્કર અને પારદર્શક પગલાં ભરે.
સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે પુણે એ રાજ્યનું મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર (એજ્યુકેશન હબ) છે, જ્યાં દેશભરમાંથી યુવાનો માત્ર ને માત્ર પોતાના અભ્યાસ અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા આવે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ વગર કારણે રસ્તા પર ઉતરતા નથી, પરંતુ જો તેઓ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય તો તેનો અર્થ એ થાય કે તેમની પાસે કોઈ અત્યંત ગંભીર ફરિયાદ છે. કોર્ટે નોંધ્યું હતું કે MPSC રાજ્યની ૭૦,૦૦૦ થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે જવાબદાર છે, પરંતુ પરીક્ષામાં ગડબડી અને પ્રશ્નપત્ર લીક થવાના ગંભીર આરોપોને કારણે ઉમેદવારોમાં મોટો રોષ વ્યાપેલો છે.
હાઈકોર્ટે વિદ્યાર્થીઓના વિરોધ કરવાનો અધિકાર માન્ય રાખવાની સાથે જ તેમને પોતાના અભ્યાસ પર પાછા ફરવા પણ આગ્રહભરી વિનંતી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર રસ્તાઓ બંધ કરીને વિરોધ ચાલુ રાખી શકાય નહીં, તેથી આંદોલન આગળ ધપાવવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવીને નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક સ્થળે જ પ્રદર્શન કરવું જોઈએ. આ સુનાવણી પુણેના રહેવાસી અમિત સુપેકર દ્વારા દાખલ કરાયેલી અરજી પર થઈ રહી હતી, જેમાં ગેરકાયદે વિરોધ રોકવા અને આંદોલનકારીઓ માટે ચોક્કસ સ્થળ ફાળવવાની માગ કરવામાં આવી હતી.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
