<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ફલોરિડા-અલ્‍બામામાં ‘ઇસાઇયાસ' વાવાઝોડાનું તાંડવ, ૯ લાખ ઘરોમાં વીજળી ગૂલ

એટલાન્‍ટિક મહાસાગરમાં વર્ષ ૨૦૨૬નું પહેલું વાવાઝોડું

ફલોરિડા,તા.૧૨: અમેરિકાના મેક્‍સિકોના અખાતને અડીને આવેલા તટીય વિસ્‍તારોમાં શુક્રવારે ‘ઇસાઇયાસ' વાવાઝોડું ત્રાટક્‍યું હતું. ફલોરિડા અને અલબામામાં ૧૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે વરસાદ બાદ અનેક ઘરો અને દુકાનોને નુકસાન પહોંચ્‍યું છે. વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને આશરે નવ લાખ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. આ વિસ્‍તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ઇસાઇયાસ ૨૦૨૬માં એટલાન્‍ટિક મહાસાગરમાં આવેલું પહેલું વાવાઝોડું છે. સામાન્‍ય રીતે એટલાન્‍ટિકમાં વાવાઝોડાંની મોસમ જૂનથી નવેમ્‍બર સુધી રહે છે. આ વખતે પ્રશાંત મહાસાગરમાં ‘અલ નીનો'ની સ્‍થિતિના કારણે એટલાન્‍ટિકમાં વાવાઝોડું બનવાની ઝડપ ધીમી રહી છે.

અલ નીનો દરમિયાન પેસિફિક મહાસાગરનું પાણી ગરમ થઈ જાય છે. આનાથી ઉપલા વાતાવરણમાં પવનોનો પ્રવાહ બદલાય છે. એટલાન્‍ટિક પર તેજ પવનો વાવાઝોડાંનું બંધારણ બગાડી શકે છે, જેનાથી તેના બનવાની અને શક્‍તિશાળી થવાની શક્‍યતા ઘટી જાય છે. ૩૦ વર્ષથી વધુ સમયમાં આ પહેલીવાર બન્‍યું છે, જ્‍યારે ઓક્‍ટોબર સુધી એટલાન્‍ટિક મહાસાગરમાંથી કોઈ વાવાઝોડું સર્જાયું ન હતું. વાવાઝોડાના જોખમને ધ્‍યાનમાં રાખીને મિસિસિપી, અલબામા અને ફલોરિડાના ગવર્નરોએ પોતાના રાજ્‍યોમાં ઈમરજન્‍સી જાહેર કરી દીધી છે. તટીય વિસ્‍તારોમાં રહેતા કેટલાક લોકોને ઘર ખાલી કરવા અને બાકીના લોકોને વાવાઝોડા સામે રક્ષણ મેળવવાની તૈયારી કરવા કહેવામાં આવ્‍યું છે. અલબામાના ગવર્નર કે આઈવેએ વાવાઝોડું જમીન પર ત્રાટક્‍યાના થોડા સમય પહેલા જણાવ્‍યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેમના રાજ્‍યમાં ઈમરજન્‍સી જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે.

ઇસાઇયાસ વાવાઝોડા વચ્‍ચે મેક્‍સિકો અને દક્ષિણી કેલિફોર્નિયામાં પણ બે વાવાઝોડાં આવ્‍યા છે. મેક્‍સિકોમાં સાયમન વાવાઝોડાથી ભારે વરસાદ અને ભૂસ્‍ખલનનું જોખમ ઊભું થયું છે. ફલોરિડામાં રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ગાર્ડના લગભગ પાંચ હજાર સૈનિકો અને વાયુસેનાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્‍યા છે. કેટલીક જેલોમાંથી કેદીઓને પણ બીજી જગ્‍યાએ ખસેડવામાં આવી રહ્યા છે. ફલોરિડાના પેનહેન્‍ડલ વિસ્‍તારના અસંખ્‍ય એરપોર્ટ પરથી મોટા ભાગની ઉડાન બંધ કરી દેવામાં આવી છે. જોકે, કેટલીક ખાનગી રાઈડ કંપનીઓએ રાજ્‍ય સરકારની સાથે મળીને લોકોને સુરક્ષિત સ્‍થળે પહોંચાડવા માટે મફત મુસાફરીની સુવિધા આપવાની જાહેરાત કરી છે.

(9:51 AM IST)