<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

'મંદિરમાં ચડાવો ચડાવવાનું જ બંધ કરી દો' - મુકેશ ખન્નાની અપીલથી વિવાદ, મુંબઈના મંદિર ટ્રસ્ટોમાં મતમતાંતર : સોશિયલ મીડિયા પર પણ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા

'શક્તિમાન' ફેમ અભિનેતા મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી ભક્તોને મંદિરમાં રોકડ દાન ન કરવા કરી અપીલ, કહ્યું - 'દાનના પૈસાનો દુરુપયોગ થાય છે, ગરીબોને મદદ કરો', સિદ્ધિવિનાયક ટ્રસ્ટે કહ્યું 'દાનથી જ ચાલે અન્નક્ષેત્ર-હોસ્પિટલ', મહાલક્ષ્મી મંદિરે વળતો જવાબ આપ્યો - 'શ્રદ્ધાનો વિષય છે'

મુંબઈ,: પ્રખ્યાત અભિનેતા અને 'શક્તિમાન' તથા 'ભીષ્મ પિતામહ' ની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતા બનેલા મુકેશ ખન્નાએ મંદિરોમાં રોકડ ચડાવા અંગે કરેલી એક અપીલે નવો વિવાદ ઊભો કર્યો છે. ખન્નાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ભક્તોને મંદિરોમાં રોકડ દાન બંધ કરવાની અપીલ કરી છે.

વીડિયોમાં મુકેશ ખન્નાએ કહ્યું, "હું બધા ભક્તોને હાથ જોડીને વિનંતી કરું છું કે મંદિરમાં ચડાવો ચડાવવાનું બંધ કરી દો. તમારા દાનના કરોડો રૂપિયા ક્યાં જાય છે તેનો હિસાબ કોઈ આપતું નથી. આ પૈસાનો દુરુપયોગ થાય છે. ભગવાનને પૈસાની જરૂર નથી. તેના બદલે તમે કોઈ ગરીબ બાળકને ભણાવો, ભૂખ્યાને જમાડો, હોસ્પિટલમાં દર્દીની મદદ કરો. એ જ સાચી ભક્તિ છે."

મુકેશ ખન્નાની આ અપીલ બાદ મુંબઈના મોટા મંદિર ટ્રસ્ટોમાં ચર્ચા જાગી છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ આદેશ બાંદેકરે પ્રતિક્રિયા આપતા કહ્યું, "મુકેશજીની ભાવનાનું સન્માન છે, પરંતુ ભક્તોના દાનથી જ અમારા અન્નક્ષેત્ર, હોસ્પિટલ, ડાયાલિસિસ સેન્ટર અને શાળાઓ ચાલે છે. દાનનો દરેક રૂપિયો સમાજસેવામાં વપરાય છે અને તેનો હિસાબ જાહેર હોય છે."

મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભાઈ ગીતાએ કહ્યું, "દાન એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. કોઈના પર દબાણ નથી. ભક્ત પોતાની ઈચ્છાથી ચડાવો ચડાવે છે. બધા ટ્રસ્ટ એકસરખા નથી હોતા."

સોશિયલ મીડિયા પર પણ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક વર્ગ ખન્નાની વાત સાથે સહમત છે, જ્યારે બીજો વર્ગ કહે છે કે મંદિરોની જાળવણી અને સમાજસેવા માટે દાન જરૂરી છે. હાલ આ મુદ્દે દેશભરમાં ચર્ચા ગરમાઈ છે.

(4:53 PM IST)