News of Wednesday, 2nd September 2026
શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો: સેન્સેક્સ ૩૭૩ પોઈન્ટ અને નિફ્ટી ૧૪૧ પોઈન્ટ તૂટ્યો, સેન્સેક્સ ૭૬,૫૭૦.૩૫ ના સ્તરે બંધ: બોન્ડ યીલ્ડ અને તેલના વધતા ભાવથી રોકાણકારોમાં ફફડાટ
ક્રૂડ ઓઈલની વધતી કિંમતોથી ફુગાવો વધવાની ચિંતા ઘેરી બની; ઓટો અને આઈટી સેક્ટરમાં ભારે ધોવાણ વચ્ચે નિફ્ટી ૨૪,૦૦૦ ની નીચે ખાબક્યો

મુંબઈ, તા.૦૨: ભારતીય શેરબજારમાં મંદીની ચાલે રોકાણકારોની ચિંતામાં સતત ત્રીજા દિવસે વધારો કર્યો છે. બુધવારે ટ્રેડિંગ સેશનના અંતે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે મોંઘવારી વધવાની શક્યતા અને વધતી જતી બોન્ડ યીલ્ડને કારણે રોકાણકારોએ જોખમ લેવાનું ટાળતા ભારતીય બજાર દબાણ હેઠળ આવી ગયું હતું.
સત્રના અંતે BSE સેન્સેક્સ ૩૭૩.૯૩ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકાના ઘટાડા સાથે ૭૬,૫૭૦.૩૫ ના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે NSE નિફ્ટી પણ ભારે વેચવાલી વચ્ચે ૧૪૧.૩૫ પોઈન્ટ અથવા ૦.૫૯ ટકા ઘટીને ૨૩,૯૧૪.૪૫ ની સપાટીએ બંધ રહ્યો હતો.
સેક્ટર વાઇઝ પ્રદર્શન અને નિષ્ણાતોનો અંદાજ
આજના કારોબારમાં આઈશર મોટર્સ, વિપ્રો અને બજાજ ઓટો નિફ્ટીના સૌથી વધુ નુકસાન સહન કરનારા સ્ટોક્સ રહ્યા હતા. સેક્ટરલ પરફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૨ ટકાથી વધુ તૂટીને સૌથી ખરાબ દેખાવ કરનાર સેક્ટર બન્યો હતો. આ સિવાય IT અને મીડિયા સેક્ટરમાં પણ ભારે મંદી જોવા મળી હતી. જોકે, ઊર્જાના ભાવ વધતા નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં સુધારો નોંધાયો હતો.
બજાર વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જ્યાં સુધી નિફ્ટી ૨૪,૦૦૦ ની મહત્વની સપાટીથી નીચે રહેશે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. જો મંદીની આ હિલચાલ જારી રહેશે તો નિફ્ટી નીચલા સ્તરે ૨૩,૭૦૦ થી ૨૩,૭૩૦ ની રેન્જ સુધી ગબડી શકે છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
