<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

૮ સપ્તાહમાં શેરબજારમાં રૂા.૨૬ લાખ કરોડનું ધોવાણઃ સેન્‍સેક્‍સ ૬૫૯૦ પોઈન્‍ટ તૂટયો

સેન્‍સેક્‍સ અને નિફટી ૨૫ વર્ષના સૌથી લાંબા મંદીના દોરમાં ફસાયાઃ ડોલર સામે રૂપિયો ૦.૫ ટકા ગગડીને ૯૬.૩૧ ના બે મહિનાના નીચલા સ્‍તરે પહોંચી ગયો : FII દ્વારા રૂા.૩૫૦૦૦ કરોડની વેચવાલી, US બોન્‍ડ યીલ્‍ડમાં ઉછાળો અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો મુખ્‍ય કારણો

નવી દિલ્‍હી તા.૨: આજે બીજી ઓક્‍ટોબર હોવાથી ભારતીય શેરબજારમાં ટ્રેડિગ બંધ છે ત્‍યારે છેલ્‍લા કેટલાક દિવસોમાં જે રીતે શેરબજારમાં કડાકાની સ્‍થિતિ જોવા મળી છે તેનાથી રોકાણકારો ભયભીત દેખાઈ રહ્યા છે. ભારતીય શેરબજારમાં અવિરત ધોવાણનો દૌર થમવાનું નામ લઈ રહ્યો નથી. સેન્‍સેક્‍સ અને નિફટી બંને સતત ૮મા અઠવાડિયે કડાકા સાથે બંધ રહ્યા, જે છેલ્‍લા ૨૫ વર્ષમાં શેરબજારમાં જોવા મળેલો મંદીનો સૌથી લાંબો ગાળો છે. આ ઐતિહાસિક મંદીના વાવાઝોડામાં રોકાણકારોના આશરે રૂા. ૨૬ લાખ કરોડ હોમાઈ ગયા છે.

ઉલ્‍લેખનીય છે કે, વર્તમાન કડાકાનો સમયગાળો વર્ષ ૨૦૨૦ના કોવિડ ક્રેશ અને ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી (Global Financial Crisis) કરતાં પણ વધુ લાંબો સાબિત થયો છે. જોકે, ૨ ઓક્‍ટોબરે એટલે કે આજે ગાંધી જયંતીના લીધે શેરબજાર બંધ રહ્યું હતું. પરંતુ તે પહેલાં ૧ ઓક્‍ટોબરે સેન્‍સેક્‍સ ૫૭૦ પોઈન્‍ટ ગબડીને ૭૧,૯૦૯ અને નિફટી ૧૯૮ પોઈન્‍ટ ઘટીને ૨૨૪૨૧ ની નીચલી સપાટીએ બંધ રહ્યા હતા.

છેલ્‍લા ૮ અઠવાડિયાની સતત મંદીમાં ભારતીય શેરબજારમાં તારાજીના આંકડા નીચે મુજબ છેઃ સેન્‍સેક્‍સ અને નિફટીઃ ૮ અઠવાડિયામાં નિફટી ૮.૭ ટકા (૨૧૪૯ પોઈન્‍ટ) અને સેન્‍સેક્‍સ ૮.૪ ટકા (૬૫૯૦ પોઈન્‍ટ) તૂટ્‍યો છે.

રોકાણકારોનું નુકસાનઃ BSE લિસ્‍ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) રૂા.૨૬ લાખ કરોડથી વધુ ઘટીને રૂા.૪૬૭ લાખ કરોડની નીચે સરકી ગઈ છે.

ચાલુ સપ્તાહની સ્‍થિતિઃ માત્ર છેલ્‍લા સપ્તાહમાં જ નિફટીમાં ૩.૧ ટકા અને સેન્‍સેક્‍સમાં ૨.૭ ટકાનું મોટું ગાબડું નોંધાયું છે.

૪ દિવસમાં વિદેશી રોકાણકારોએ રૂા.૩૫૦૦૦ કરોડ પાછા ખેંચ્‍યા શેરબજાર પર સૌથી મોટું દબાણ વિદેશી સંસ્‍થાકીય રોકાણકારો (FII) ની અંધાધૂંધ વેચવાલીનું છે.

FII વેચવાલીઃ ૧ ઓક્‍ટોબરના રોજ FII એ ભારતીય શેરબજારમાંથી રૂા.૯૪૮૪ કરોડના શેર વેચી માર્યા હતા. આ સાથે જ છેલ્‍લા માત્ર ૪ કારોબારી સત્રોમાં જ વિદેશી ફંડોએ રૂા.૩૪૯૬૫ કરોડ પાછા ખેંચી લીધા છે. સપ્‍ટેમ્‍બર મહિનામાં FPI ની કુલ ઈક્‍વિટી વેચવાલી રૂા.૪૬૦૦૦ કરોડ રહી હતી.

DII નો સપોર્ટઃ સામે પક્ષે ઘરેલું સંસ્‍થાકીય રોકાણકારો (DII) એ ૧ ઓક્‍ટોબરે રૂા. ૧૦૦૪૨ કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વિદેશી વેચવાલીના તોફાન સામે અપૂરતો સાબિત થયો હતો.

યુએસ બોન્‍ડ યીલ્‍ડમાં ૨૦૨૨ પછીનો રેકોર્ડ ઉછાળો અમેરિકામાં ૧૦ વર્ષના ટ્રેઝરી બોન્‍ડની યીલ્‍ડ વધીને ૫.૩૩-૫.૩૪ ટકાની ઉચ્‍ચતમ સપાટીએ પહોંચી ગઈ છે, જે ૨૦૨૨ પછીનો સર્વોચ્‍ચ સ્‍તર છે. સરકારી બોન્‍ડ પર ઊંચું વ્‍યાજ મળતાં વિદેશી રોકાણકારો શેરબજાર જેવા જોખમી સેક્‍ટરમાંથી નાણાં પાછા ખેંચીને સુરક્ષિત ડેબ્‍ટ માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે.

ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરને પાર પヘમિ એશિયા (મિડલ ઈસ્‍ટ) માં વકરેલા તણાવના કારણે ગ્‍લોબલ માર્કેટમાં બ્રેન્‍ટ ક્રૂડ ફરી ૧૦૦ ડોલર પ્રતિ બેરલને વટાવી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી મોંઘું ઓઈલ ફુગાવો અને દેશના ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) વધારશે.

ડોલર સામે રૂપિયો ૦.૫ ટકા ગગડીને ૯૬.૩૧ ના બે મહિનાના નીચલા સ્‍તરે પહોંચી ગયો છે. નબળા રૂપિયાના કારણે વિદેશી રોકાણકારોને ડોલર રિટર્નમાં મોટું નુકસાન વેઠવું પડે છે.

આવનારા દિવસોમાં રોકાણકારોની નજર મુખ્‍યરૂપે ૪ બાબતો પર રહેશે. પ્રથમ : વિદેશી રોકાણકારનું સેલિગ અટકે છે કે નહીં? બીજું : અમેરિકન બોન્‍ડ યીલ્‍ડ કઈ દિશામાં આગળ વધે છે? ત્રીજું: ક્રૂડ ઓઈલની કિમત ૧૦૦ ડોલરની આજુબાજુ રહે છે કે ઘટે છે? ચોથું: ડોલર સામે રૂપિયો મજબૂત થાય છે કે વધુ તૂટે છે?.

(2:59 PM IST)