તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 8th July 2026
સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા-ધ સૌરવ ગાંગુલી સ્ટોરી'નો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ જાહેર
‘દાદા'ના ૫૪માં જન્મદિવસ પર મોટી સરપ્રાઈઝ

મુંબઈ, તા.૮: ભારતીય ક્રિકેટના સૌથી આક્રમક સુકાની અને કરોડો ફેન્સના હૃદયના ધબકારા એવા દાદા સૌરવ ગાંગુલીના ૫૪મા જન્મદિવસ પર સિનેમા જગત તરફથી રમતપ્રેમીઓને અત્યાર સુધીની સૌથી મોટી સરપ્રાઈઝ મળી છે, જેમાં વર્સેટાઈલ એક્ટર રાજકુમાર રાવ ગાંગુલીની આઈકોનિક સ્ટાઈલમાં જર્સી લહેરાવતા જોવા મળી રહ્યા છે.
સૌરવ ગાંગુલી એટલે ભારતીય ક્રિકેટમાં આક્રમકતા અને આત્મવિશ્વાસનો નવો પર્યાય. આજે ૮ જુલાઈના રોજ તેમના ૫૪મા જન્મદિવસે સોશિયલ મીડિયા પર ફેન્સ ત્યારે ચોંકી ગયા જ્યારે અચાનક તેમની બાયોપિક દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરીનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો. આ પોસ્ટરમાં બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા રાજકુમાર રાવ ટીમ ઈન્ડિયાની જર્સી હવામાં લહેરાવતા જોવા મળે છે. આ એ જ પ્રખ્યાત ક્ષણ છે જેણે વર્ષ ૨૦૦૨માં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ક્રિકેટ જગતનો ઈતિહાસ અને ભારતીય ટીમનો એટિટયુડ કાયમ માટે બદલી નાખ્યો હતો. ઇંગ્લેન્ડના એન્ડ્રુ ફિ્લન્ટોફને તેની જ ભાષામાં જવાબ આપનારી આ ક્ષણને પડદા પર જોવા માટે ફેન્સનો ઉત્સાહ અત્યારે સાતમા આસમાને પહોંચી ગયો છે.
આ શાનદાર ફિલ્મ આગામી વર્ષે એટલે કે ૧૪ મે, ૨૦૨૭ ના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. રાજકુમાર રાવે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પોસ્ટર શેર કરીને કૅપ્શન લખ્યું, હેપ્પી બર્થડે દાદા, જેની સાથે જ કમેન્ટ સેક્શનમાં ફેન્સનો પ્રેમ પૂરના વેગે ઉમટી પડ્યો છે.
જો કે, કોઈપણ મોટી જાહેરાતની જેમ આ ફર્સ્ટ લુકને લઈને પણ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ જ્યાં રાજકુમાર રાવની બોડી લેંગ્વેજ અને સૌરવ ગાંગુલી જેવા જ આબેહૂબ લુકના લોકો જોરદાર વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક નેટીઝન્સ પોસ્ટરની ડિઝાઇનને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પોસ્ટર કોઈ AI ટૂલ કે ચેટ જીપીટી દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવું લાગે છે. ટ્રોલિંગ અને ચર્ચાઓની વચ્ચે પણ આ ફિલ્મે જબરદસ્ત હાઈપ ઊભો કરી દીધો છે. દાદાના બાળપણના સંઘર્ષથી લઈને ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન બનવા સુધીની આ રોમાંચક સફર જોવા માટે અત્યારથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
