<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

સોનિયા ગાંધીના જીવન અને રાજકીય સંઘર્ષ પર હવે બનશે ભવ્ય તેલુગુ ફિલ્મ: કોંગ્રેસ નેતાઓએ શરૂ કરી તૈયારીઓ

તેલંગાણાના સંગારેડ્ડીમાં યોજાયેલી બેઠકમાં આત્મકથા પર આધારિત બાયોપિક બનાવવાની જાહેરાત સાથે જ બે કરોડ રૂપિયાના ફંડનું એલાન

સંગારેડ્ડી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના અંગત જીવન અને રાજકીય સફરને હવે મોટા પડદા પર રજૂ કરવાની તૈયારીઓ તેજ બની છે, જેમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જગ્ગા રેડ્ડીએ સંગારેડ્ડી ખાતે યોજાયેલી પાર્ટીની બેઠકમાં સોનિયા ગાંધીની આત્મકથા બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ પર આધારિત તેલુગુ ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત કરીને રાજકીય અને ફિલ્મી વર્તુળોમાં ભારે ઉત્સુકતા જગાવી છે.

આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સંગારેડ્ડી વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ સંયોજક જુલાકાંતિ અંજનયુલુએ ફિલ્મના નિર્માણ માટે તાત્કાલિક બે કરોડ રૂપિયાનું આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી, જેના પગલે જગ્ગા રેડ્ડીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીની જેમ જ આ ફિલ્મને મહત્વની જવાબદારી સમજીને બજેટ એકત્ર કરવા અપીલ કરી હતી અને સમગ્ર કામગીરીની દેખરેખ ગાંધી ભવનના જનસંપર્ક અધિકારી હરિપ્રસાદને સોંપીને પચાસ સભ્યોની સમિતિ રચવાનું સૂચન કર્યું હતું.

જગ્ગા રેડ્ડીના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીના પુત્રવધૂ બનવાથી લઈને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના માતા તરીકેની ભૂમિકા, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા બાદ પરિવાર પર આવેલા સંકટનો સામનો કરવાનો સંઘર્ષ તેમજ વર્ષ ૨૦૦૪માં યુપીએ સરકાર રચાઈ ત્યારે વડાપ્રધાન પદનો ત્યાગ કરીને ડૉ. મનમોહન સિંહને આ પદ સોંપવાના ઐતિહાસિક નિર્ણય ઉપરાંત મનરેગા યોજનાના ઘડતરમાં તેમની વિચારધારા સહિતના તમામ મહત્વપૂર્ણ તબક્કાઓને આવરી લેવામાં આવશે.

હાલમાં આ બાયોપિક ફિલ્મના નિર્દેશક, મુખ્ય કલાકારો અને રિલીઝની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ થયા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને પ્રદેશ અધ્યક્ષ મહેશ કુમાર ગૌડના હસ્તે શૂટિંગનો ભવ્ય પ્રારંભ કરાવવાની યોજના છે તેમજ કાર્યકરોમાં સોનિયા ગાંધીની આત્મકથાની નકલો વહેંચીને ફિલ્મ માટે યોગ્ય નિર્દેશકની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(11:51 PM IST)