તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
કોંગ્રેસમાં ગાંધી પરિવારના વર્ચસ્વ અને ભાઈ-ભત્રીજાવાદના આરોપો પર સોનિયા ગાંધીએ આપી સ્પષ્ટતા: ઇન્દિરાની કટોકટીને ગણાવી ઐતિહાસિક ભૂલ
વિદેશી અખબારને આપેલી મુલાકાતમાં કટોકટી અને ગાંધી પરિવારની કરુણ હત્યાઓને યાદ કરી, ભ્રષ્ટાચારના વિવાદો પર મંત્રીઓના રાજીનામા આપ્યાનો કર્યો બચાવ

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ એક આંતરરાષ્ટ્રીય અખબારને આપેલા વિશેષ ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ પાર્ટી પર ગાંધી પરિવારના સતત વર્ચસ્વ અને ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે નેતૃત્વ સંબંધિત તમામ નિર્ણયો અને પ્રશ્નોનો ઉકેલ પાર્ટીએ પોતે જ નક્કી કરવાનો રહે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી સમયમાં પ્રકાશિત થનારી પોતાની આત્મકથા પૂર્વે સોનિયા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીને એક ઐતિહાસિક ભૂલ ગણાવી હતી અને સ્વીકાર્યું હતું કે તે સમયે ઈન્દિરા ગાંધી પોતે પણ આ નિર્ણયથી માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ અને ભારે દબાણમાં હતા.
ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે કટોકટીના નિર્ણય સમયે ગાંધી પરિવારમાં ગંભીર મતભેદો સર્જાયા હતા, જેમાં રાજીવ ગાંધીએ કટોકટીનો સખત વિરોધ કરીને ચૂંટણી સુધી રાહ જોવાની સલાહ આપી હતી, જ્યારે સંજય ગાંધી વિપક્ષ સામે વધુ આક્રમક વલણ અપનાવવા પર અડગ રહ્યા હતા.
૨૦૧૪ સુધીના યુપીએ શાસન દરમિયાન સામે આવેલા ભ્રષ્ટાચારના વિવાદો અંગે બચાવ કરતા સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે જે પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા તે તમામમાં સંબંધિત મંત્રીઓએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા, જેથી પારદર્શિતા જળવાઈ રહી હતી.
સોનિયા ગાંધીએ પોતાના જીવનની અત્યંત પીડાદાયક ક્ષણોને વાગોળતા ૧૯૮૪માં ઈન્દિરા ગાંધી અને ૧૯૯૧માં રાજીવ ગાંધીની થયેલી નિર્મમ હત્યા બાદ પરિવાર પર તૂટી પડેલા દુઃખના પહાડ અને વર્ષો સુધી અનુભવેલા માનસિક આઘાત અંગે પણ ખુલ્લા મનથી વાતો શેર કરી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે સામે આવેલા સોનિયા ગાંધીના આ નિવેદનો અને ઐતિહાસિક સ્વીકારો બાદ ભારતીય રાજકારણમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે નવી ચર્ચાઓ અને નિવેદનબાજી શરૂ થાય તેવી પૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
