<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

સોનમ વાંગચુકના પત્ની દિલ્હી હાઈકોર્ટના દ્વારે: 'ગેરકાયદે અટકાયત'નો આક્ષેપ

સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક મુક્તિ અને ખાનગી હોસ્પિટલમાં સારવારની મંજૂરી માગતી અરજી દાખલ

લદ્દાખના પર્યાવરણ કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલી જે. અંગમોએ તેમના પતિની કથિત 'ગેરકાયદે અટકાયત' સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ તેમની ઇચ્છા વિરુદ્ધ રાખવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. 

 

અરજીમાં વાંગચુકને તેમની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની મંજૂરી આપવા તેમજ પરિવાર અને તેમના વકીલોને નિરંકુશ રીતે મળવાની છૂટ આપવાની પણ માંગ કરવામાં આવી છે. ગીતાંજલી અંગમોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં ચાલી રહેલી સ્થિતિ સારવાર કરતાં વધુ ગેરકાયદે અટકાયત જેવી છે. 

 

ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુક અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર છે. તેમની તબિયત બગડતા તેમને જંતર-મંતર પરથી સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે તેઓ હજુ પણ પોતાનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે. 

(12:43 PM IST)