<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સોમનાથમાં ભવ્ય રોડ શો યોજશે અને મહાદેવનો કુંભાભિષેક કરશે

વેરાવળ હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી જનમેદની વચ્ચે વડાપ્રધાનનું અભિવાદન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ. ૭૫નો સ્મારક સિક્કો અને ટિકિટ બહાર પડાશે

વેરાવળ : સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઐતિહાસિક ઉજવણીના પ્રસંગે આયોજિત "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" માં સહભાગી થવા માટે વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા. ૧૧મી મેના રોજ વેરાવળ પધારી રહ્યા છે. આ પર્વની ઉજવણીમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાશે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ ખાતે આવી પહોંચશે. હેલિપેડ પર ઉતરાણ કર્યા બાદ તેઓ હેલિપેડથી વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી એક ભવ્ય રોડ શો યોજશે. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન જનતાનું અભિવાદન ઝીલશે. રોડ શો બાદ તેઓ સોમનાથ મંદિર પરિસર ખાતે પહોંચશે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે.

મંદિર પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને અર્ચન કરશે. તેઓ જન-જનની સુખાકારી અને રાષ્ટ્રની પ્રગતિ માટે મહાદેવને પ્રાર્થના કરશે. આ પવિત્ર અવસરે વડાપ્રધાનના હસ્તે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક અને ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એક્રોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક એર શોનું પ્રદર્શન કરવામાં આવશે, જે આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહેશે.

પૂજા-અર્ચના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ સભાના મંચ પરથી તેઓ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ ધરાવતી વિશેષ સ્મારક ડાક ટિકિટ અને સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ નિમિત્તે રૂ. ૭૫નો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડશે. વેરાવળ અને સોમનાથ સહિત સમગ્ર રાજ્યની જનતા વડાપ્રધાનને આવકારવા માટે આતુર છે અને આ કાર્યક્રમ સોમનાથના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.

(8:36 PM IST)