News of Sunday, 20th September 2026
કંઈક મોટું રંધાઈ રહ્યું છે ? ઈરાનનાં તમામ સશસ્ત્ર દળો માટે સર્વોચ્ચ કક્ષાની એલર્ટ દર્શાવતો ‘કોડ ૧૦૦’ મોડી રાત્રે જાહેર કરાયો: સાથે જ મિડલ ઈસ્ટની તમામ અમેરિકી એલચી કચેરીઓએ પણ એકસાથે એલર્ટ જાહેર કર્યાનો દાવો: મધ્યપૂર્વમાં ટેન્શન વધતાં અમેરિકાની સુરક્ષા ચેતવણી; નાગરિકોને વિશેષ સાવધાની રાખવા તાકીદ: ન્યુૂઝફર્સ્ટ

તેહરાન, તા. ૨૦ : ઈરાનનાં તમામ સ્તરના સશસ્ત્ર દળોને હાઈએસ્ટ એલર્ટનો ‘કોડ ૧૦૦’ અપાયાનો દાવો સામાજિક માધ્યમોમાં ફેલાયો છે. જોકે ઈરાન સરકાર કે સશસ્ત્ર દળોએ રવિવાર સવાર સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. આ સાથે જ મધ્યપૂર્વનાં તમામ અમેરિકી દૂતાવાસોએ એકસાથે ચેતવણી આપી હોવાનો દાવો પણ થયો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
ઈરાનનાં તમામ સશસ્ત્ર દળો માટે સર્વોચ્ચ કક્ષાની સતર્કતા દર્શાવતો ‘કોડ ૧૦૦’ જાહેર કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાની સંદેશાવ્યવહાર માધ્યમોમાં આ કોડને સૈન્ય જવાનો અને લશ્કરી સાધનોની તૈયારી સાથે જોડવામાં આવ્યો છે. જોકે ઈરાનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફ, સરકાર અથવા રિવોલ્યુશનરી ગાર્ડ તરફથી આ દાવાની સત્તાવાર પુષ્ટિ સવાર સુધીમાં મળી નથી.
દરમિયાન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ તરફ હૂતી જૂથે છોડેલું બેલિસ્ટિક મિસાઇલ તોડી પાડવામાં આવ્યું હતું. યાન્બુ, તાઇફ, બિશ અને ફરાસાનને નિશાન બનાવવાના અન્ય પ્રયાસો પણ નિષ્ફળ બનાવાયાનું સાઉદી સત્તાવાળાઓએ જણાવ્યું છે. રિયાધના મુખ્ય વિમાનમથક નજીક ધુમાડો જોવા મળ્યો હતો, પરંતુ જાનહાનિની સત્તાવાર માહિતી નથી.
વધતા મિસાઇલ અને ડ્રોન જોખમને પગલે અમેરિકાએ મધ્યપૂર્વમાં રહેલા પોતાના નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. સ્થિતિ વણસે તો કાચા તેલના ભાવ, હવાઈ સેવાઓ અને ખાડી દેશોમાં રહેતા ભારતીયો પર અસર પડી શકે છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
