<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની 'સેફ હાર્બર' કાનૂની સુરક્ષા છીનવાઈ શકે: યુઝર્સની વાંધાજનક પોસ્ટ અને કમેન્ટ્સ માટે હવે સીધી જવાબદાર બનશે દિગ્ગજ કંપનીઓ

આઈટી મંત્રાલય દ્વારા નિયમોમાં મોટા ફેરફારની વિચારણા, અલ્ગોરિધમ અને કમ્યુનિટી ગાઇડલાઇન્સના આધારે કન્ટેન્ટ નિયંત્રિત કરતી ફેસબુક, એક્સ અને ગૂગલ જેવી કંપનીઓની મુશ્કેલીઓ વધશે

નવી દિલ્હી, તા.૦૬: દેશમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને વિવાદાસ્પદ સામગ્રી પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના અંતર્ગત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સ (ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અત્યાર સુધી મળતી કાનૂની સુરક્ષા અને છૂટછાટને સમાપ્ત કરવા પર ગંભીર વિચાર-વિમર્શ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નવા ફેરફારો અમલમાં આવ્યા બાદ આ પ્લેટફોર્મ્સને માત્ર માહિતીનું આદાનપ્રદાન કરનાર માધ્યમ તરીકે નહીં પરંતુ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવતી સામગ્રી, વીડિયો અને કમેન્ટ્સ માટે પણ સીધી કાનૂની જવાબદારીના दायरेમાં લાવી શકાશે.

વર્તમાન સમયમાં આઈટી એક્ટની કલમ ૭૯ હેઠળ આ સોશિયલ મીડિયા કંપનીઓને 'સેફ હાર્બર' (સુરક્ષિત આશ્રય) કવચ પૂરું પાડવામાં આવે છે, જેના કારણે પ્લેટફોર્મ પર કોઈપણ યુઝર દ્વારા ગમે તેવું કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે તો તેના માટે કંપનીઓને સીધી રીતે જવાબદાર ગણવામાં આવતી નથી, પરંતુ હવે સરકાર આ સુરક્ષાને માત્ર ટેલિકોમ, ઇન્ટરનેટ અને મેસેજિંગ પ્લેટફોર્મ સુધી જ સીમિત રાખવા વિચારે છે.

સરકારનું સ્પષ્ટ માનવું છે કે આજની તારીખમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માત્ર તટસ્થ માધ્યમ રહ્યા નથી, પરંતુ તેઓ પોતાના અલ્ગોરિધમ દ્વારા કન્ટેન્ટની રેન્કિંગ, ભલામણ અને લોકો સુધી પહોંચ નક્કી કરે છે, તેમજ પોતાની કોર્પોરેટ કમ્યુનિટી ગાઇડલાઇન્સના આધારે પોસ્ટ હટાવવા કે પ્રતિબંધ મૂકવાના નિર્ણયો લે છે જે ઘણીવાર ભારતીય કાયદાઓથી વિપરિત હોઈ શકે છે.

અગાઉ આ કાનૂની સુરક્ષાના લીધે જ મેટા, ગૂગલ અને એક્સ જેવી વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓએ યુઝર્સ જનરેટેડ કન્ટેન્ટના આધારે ભારતમાં વિશાળ બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને તેમને દરેક વાંધાજનક પોસ્ટ કે કમેન્ટ માટે કાનૂની કાર્યવાહીનો ડર રહેતો નહોતો.
 

જો સરકાર આ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપીને કાનૂની છૂટ નાબૂદ કરશે તો સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતીય કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે પોતાના મોડેલમાં મોટા બદલાવા લાવવા પડશે અને કન્ટેન્ટ મોડેરેશન પ્રત્યે વધુ જવાબદાર બનવું પડશે.

(5:30 PM IST)