<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજકીય પલટી પડતા જ સોશિયલ મીડિયા પર 'ભૂકંપ': રાઘવ ચઢ્ઢાએ AAP છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો, 24 કલાકમાં 10 લાખ ચાહકોએ છેડો ફાડ્યો

રાજકીય 'પાવર ગેમ'માં રાઘવ ચઢ્ઢાને મોટો ફટકો; ઈન્સ્ટાગ્રામ પર Gen-Z યુઝર્સ દ્વારા ચલાવવામાં આવેલું ‘અનફોલો’ અભિયાન વાયરલ થતા ફોલોઅર્સનો આંકડો ગગડ્યો

નવી દિલ્હી : દેશની રાજધાનીમાં ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો જ્યારે આમ આદમી પાર્ટીના કદાવર નેતા અને યુવા ચહેરો ગણાતા રાઘવ ચઢ્ઢાએ અચાનક પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મિલાવી લીધા. આટલું જ નહીં, તેમની સાથે રાજ્યસભાના અન્ય છ સાંસદો પણ ભાજપમાં જોડાઈ જતા 'આપ'ના ખેમામાં હડકંપ મચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી અરવિંદ કેજરીવાલ અને ચઢ્ઢા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી, જે અંતે આ મોટા પક્ષ પલટામાં પરિણમી છે.
જોકે, આ રાજકીય પલટી રાઘવ ચઢ્ઢાને ડિજિટલ પ્લેટફોર્મ પર ભારે પડી રહી હોય તેવું જણાય છે. જે સોશિયલ મીડિયાના જોરે તેઓ યુવાનોમાં લોકપ્રિય બન્યા હતા, તે જ યુવાનો હવે નારાજ જોવા મળી રહ્યા છે. ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત થયાના માત્ર 24 કલાકની અંદર જ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 10 લાખથી વધુ લોકોએ તેમને 'અનફોલો' કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ 'Gen-Z અનફોલો' કેમ્પેઈને રાઘવ ચઢ્ઢાની ઓનલાઈન લોકપ્રિયતાને જોરદાર આંચકો આપ્યો છે.
આંકડાકીય વિગતો મુજબ, રાઘવ ચઢ્ઢાના ઈન્સ્ટાગ્રામ પર અગાઉ 1.46 કરોડ ફોલોઅર્સ હતા, જે શનિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં ઘટીને 1.35 કરોડ થઈ ગયા હતા. NCP નેતા અનીશ ગાવંડેએ આ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ દુનિયા કોઈને પણ રાતોરાત હીરો બનાવી શકે છે અને પળભરમાં શૂન્ય પર પણ લાવી શકે છે. હાલમાં ભાજપનું નેતૃત્વ બાકીના સાંસદોને એકજૂટ રાખવા મથામણ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર ચઢ્ઢા સામેનો આ 'ડિજિટલ વિદ્રોહ' ચર્ચાનો વિષય બન્યો છે.

(6:12 PM IST)