<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

આખા પરિવારની પાછળ પડયો સાપઃ દર રવિવારે ઘરમાં ઘૂસીને કરે છે હુમલો

જાની દુશ્‍મન જેવી ઘટના

સંભલ તા.૧૦: તમે લોકોના મોઢે ઘણીવાર એવી વાતો સાંભળી હશે કે, સાપ પોતાનો બદલો જરૂર લે છે. પરંતુ વિચારો કે આખા પરિવાર પાછળ જ સાપ પડી જાય તો શું થશે? ઉત્તર પ્રદેશના સંભલ જિલ્‍લામાંથી આવી જ એક વિચિત્ર ઘટના જોવા મળી છે, જેથી પરિવાર સહિત આખા ગામમાં ભયનો માહોલ છે. પરિવારનું કહેવું છે કે, એક સાપને તો પકડી લીધો હતો, પરંતુ આ વખતે બીજા સાપે ઘરના સભ્‍યને નિશાન બનાવ્‍યો છે.

હકીકતમાં સંભલના એક ગામમાં રહસ્‍યમયી રીતે એક સાપે મહિલાને રવિવારે ડંખ માર્યો હતો. તેના પતિએ મહિલાને સારવાર માટે સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરી હતી. પરિવાર અનુસાર, સતત ચાર રવિવારે સાપ પરિવારના એક સભ્‍યને ઘરમાં ઘુસીને ડંખ મારે છે. પરિવાર અનુસાર ૪ રવિવારે સાપે કુટુંબના જ ચાર લોકોને ડંખ માર્યો છે. આ પહેલા જે ત્રણ લોકોને સાપે ડંખ માર્યો હતો, તેમાંથી બે લોકોને ડોક્‍ટરે બચાવી લીધા હતા. જો કે એક છોકરીનું મોત થઈ ગયું હતું. હવે ફરી એક રવિવારે સાપે હુમલો કરતા પરિવારમાં ભયનો માહોલ છે.

જણાવી દઈએ કે આ આખી ઘટના સંભલના કુઢફતેહગઢ પોલીસ સ્‍ટેશનની હદમાં આવતા ગણેશપુરની છે, જ્‍યાં સાપ એક પરિવારના ચાર લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્‍યો છે. તમામ કેસમાં સાપે ઘરમાં ઘૂસીને પરિવારના સભ્‍યો પર હુમલો કર્યો છે. સતત ચાર રવિવારે બનેલી સાપના હુમલાની ઘટનાથી આખો પરિવાર દહેશતમાં છે.

ઉલ્‍લેખનીય છે કે, આ પહેલા પરિવાર પર હુમલો કરનાર એક સાપને પરિવારના લોકોએ પકડી લીધો હતો, પરંતુ હવે આજે બીજા સાપે મહિલાને ઘરમાં ઘૂસીને ડંખ માર્યો છે. સાપની પરિવાર સાથે એવી તે શું દુશ્‍મની છે, તે તો હજુ સુધી સ્‍પષ્ટ થયું નથી. પરંતુ એક જ પરિવારના સભ્‍યો સાથે બની રહેલી સ્‍નેક બાઇટની ઘટનાઓ આખા વિસ્‍તારમાં રહસ્‍યમયી ચર્ચાનો વિષય બની ગઈ છે.

(9:56 AM IST)