<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

પશ્ચિમ બંગાળમાં 'કમળ' ખીલતા જ શુભેન્દુ અધિકારીનો મુખ્યમંત્રી તરીકે રાજ્યાભિષેક: બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ પાઠવ્યા હાર્દિક અભિનંદન

ભાજપની ઐતિહાસિક જીત બાદ નવા સીએમ તરીકે કમાન સંભાળતા પડોશી દેશ સાથેના સંબંધોમાં નવી આશા જાગી: શેખ હસીનાએ સાંસ્કૃતિક વારસો અને સમાન ભાષાના અતૂટ બંધનનો ઉલ્લેખ કરી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં પરસ્પર સહયોગ વધુ મજબૂત બનવાનો વ્યક્ત કર્યો અડગ વિશ્વાસ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પ્રથમવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. શનિવારના રોજ શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઐતિહાસિક પરિવર્તન બાદ સરહદ પારથી પણ અભિનંદનનો પ્રવાહ શરૂ થયો છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ અવામી લીગના અધ્યક્ષ શેખ હસીનાએ શુભેન્દુ અધિકારીને આ મોટી સિદ્ધિ બદલ દિલથી શુભેચ્છા પાઠવી છે અને ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં બંગાળની ભૂમિકાને મહત્વની ગણાવી છે.

શેખ હસીનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક વિશેષ સંદેશ શેર કરતા જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સાચી મિત્રતાના ઈતિહાસમાં પશ્ચિમ બંગાળનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે. તેમણે ઉમેર્યું કે પશ્ચિમ બંગાળના લોકોએ શુભેન્દુ અધિકારીની મજબૂત કાર્યશૈલી અને જનહિતના કાર્યો પર જે ભરોસો મૂક્યો છે તે સ્પષ્ટપણે વિજયમાં દેખાય છે. શેખ હસીનાએ બંને પ્રદેશો વચ્ચેની સમાન ભાષા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વિરાસતનો ઉલ્લેખ કરી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં આ દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈઓ પર પહોંચશે.

પડોશી ધર્મ નિભાવતા શેખ હસીનાએ પશ્ચિમ બંગાળની ખુશહાલી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે નવા મુખ્યમંત્રીના કાર્યકાળમાં આપસી સહયોગની જૂની પરંપરા વધુ સુદ્રઢ બનશે અને બંને તરફના બંગાળી લોકોના સર્વાંગી વિકાસ માટે નવી તકો ઊભી થશે. સંદેશના અંતે તેમણે શુભેન્દુ અધિકારી અને તેમની નવી કેબિનેટના તમામ સભ્યોના સફળ કાર્યકાળ તેમજ ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી હતી. આ અભિનંદન સંદેશ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચેના ભવિષ્યના સંબંધો માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.

(1:07 PM IST)