News of Thursday, 12th November 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો નામ લીધા વિના રાહુલ ગાંધી અને વિપક્ષ પર આકરો પ્રહાર - કહ્યું - 'કેટલાક લોકો સમજે છે કે બંધારણ અને જનતા તેમના ખિસ્સામાં છે' : જુઓ વિડીયો
સત્તામાં ન હોવા છતાં લોકશાહીને પોતાની અંગત મિલકત માનવાનો વિપક્ષનો ભાવ ગજબનો છે : ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળનો પ્રસંગ ટાંકીને અગાઉની કેન્દ્ર સરકાર પર રિસર્ચ રિપોર્ટ પ્રભાવિત કરવાનો લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે એક ખાનગી મીડિયા હાઉસ (ઇન્ડિયા ટુડે) ના કાર્યક્રમ દરમિયાન નામ લીધા વિના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને વિપક્ષના નેતાઓ દ્વારા હાથમાં બંધારણની નકલ રાખીને કરવામાં આવતા પ્રચાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આજકાલ કેટલાક લોકો બંધારણને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે અને તેમને એવો ભ્રમ છે કે બંધારણ તેમજ દેશની જનતા તેમના ખિસ્સામાં છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન વિપક્ષે ભાજપ ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે તેવો પ્રચાર કર્યો હતો અને ત્યારથી વિપક્ષી નેતાઓ સતત હાથમાં બંધારણ રાખીને પોતાની વાત રજૂ કરતા આવ્યા છે.
સત્તાથી બહાર રહ્યા બાદ પણ સત્તાનો નશો:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના તીખા પ્રહારો ચાલુ રાખતા કહ્યું હતું કે, આ લોકોને સત્તામાં ન રહેવા છતાં પણ સત્તામાં હોવાનો એક અલગ જ જોશ જોવા મળે છે. સત્તામાંથી બહાર ફેંકાઈ ગયા બાદ પણ લોકશાહીને પોતાની ખાનગી સંપત્તિ માનવાની તેમની માનસિકતા ખરેખર ગજબની છે. આ સાથે જ વડાપ્રધાને વિપક્ષ પર સત્તામાં હતા ત્યારે સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા એક જૂની ઘટનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતને નંબર વન જાહેર કરાતા તત્કાલીન કેન્દ્ર સરકારને પેટમાં દુખ્યું હતું:
પોતાના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળની એક ઘટના યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, તે સમયે દેશના તમામ રાજ્યોનું રેન્કિંગ કરવામાં આવતું હતું. આ દરમિયાન એક પૂર્વ વડાપ્રધાનના નામ પર ચાલતી સંસ્થાએ જ પોતાના અભ્યાસમાં ગુજરાતને 'નંબર વન'નો ખિતાબ આપી દીધો હતો. ગુજરાતને મળેલું આ સન્માન તત્કાલીન કેન્દ્ર સરકારને બિલકુલ હજમ થયું ન હતું અને તેમણે આ બાબતે ભારે વાંધો ઉઠાવ્યો હતો. તત્કાલીન સરકારે સંશોધન કરનારાઓને સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે આ રીતે કામ નહીં ચાલે અને હવેથી કોઈપણ રિપોર્ટ પ્રકાશિત કરતા પહેલા અમારી મંજૂરી લેવી પડશે. આમ, તત્કાલીન સરકારે ગુજરાતના આર્થિક પ્રદર્શનને માન્યતા આપતા રિપોર્ટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ખેડૂતોની સબસિડી પર PM મોદીનું નિવેદન - 'અનેક દેશોના કુલ બજેટ કરતા પણ વધુ રકમ':
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને અગાઉની સરકારો પર ખેડૂતોના હિતમાં પૂરતું કામ ન કરવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અગાઉની સરકારો માત્ર એ વાતથી જ સંતુષ્ટ હતી કે ખેડૂતોએ અનાજના ભંડારો ભરી દીધા છે, પરંતુ માત્ર અનાજના કોઠારો ભરાઈ જવાને સાચો વિકાસ ગણી શકાય નહીં; ખેડૂતોના કલ્યાણ માટે નક્કર કામગીરી કરવી જરૂરી છે. વર્તમાન કેન્દ્ર સરકાર સતત ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈ રહી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારત સરકાર ખેડૂતોને જેટલી મોટી રકમ ખાતર અને અન્ય સબસિડી પાછળ આપી રહી છે, તેટલું તો વિશ્વના ઘણા દેશોનું સમગ્ર વાર્ષિક બજેટ પણ હોતું નથી.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
