<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

શરમજનક! કૌશામ્બીમાં હાઈવે પર બકરીઓથી ભરેલો ટ્રક પલટાયો : ઘાયલો ચીસો પાડતા રહ્યા અને લોકોમાં બકરીઓ લૂંટવાની હોડ જામી

.બકરી ઈદ પહેલાં પશ્ચિમ બંગાળ જઈ રહેલી ટ્રકનો અકસ્માત થતાં માનવતા મરી પરવારી: લોહીલુહાણ હાલતમાં મદદ માંગતા ડ્રાઈવર-ક્લીનરને છોડીને સ્થાનિક લોકો મરેલી અને જીવતી બકરીઓ બાઇક પર લાદીને ભાગ્યા

કૌશામ્બી:  ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર એક એવી હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે, જેણે માનવતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આગામી તહેવાર બકરી ઈદને ધ્યાનમાં રાખીને ઇટાવાથી પશ્ચિમ બંગાળ તરફ બકરીઓ ભરીને જઈ રહેલી એક પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને હાઇવે પર પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થઈને રસ્તા પર લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યા હતા. જોકે, આસપાસના લોકો અકસ્માત જોઈને મદદ કરવા દોડ્યા તો ખરા, પણ ઘાયલોને બચાવવા માટે નહીં પરંતુ અકસ્માતનો ભોગ બનેલી બકરીઓની લૂંટ ચલાવવા માટે!

કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેધી મોડ નજીક બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. ટ્રક પલટbracket બંધ થતાં જ સેંકડો બકરીઓ રસ્તા પર અને આજુબાજુની ઝાડીઓમાં વિખેરાઈ ગઈ હતી. અકસ્માત સ્થળે ચીસાચીસ અને અંધાધૂંધીનો માહોલ હતો, જેનો ફાયદો ઉઠાવીને સ્થાનિક ટોળાએ ઘાયલ માણસોની વેદના પર નજર સુધ્ધાં ન નાખી. લોકો રસ્તા પર કણસતા ઇજાગ્રસ્તોની બાજુમાંથી જ જીવતી અને અર્ધમૃત બકરીઓને હાથમાં ઊંચકીને, તેમજ ઘસડીને પોતાના મોટરસાયકલ અને સાયકલ પર લાદીને ભાગતા જોવા મળ્યા હતા. તહેવારના સમયે મફતમાં મોંઘી બકરીઓ મેળવવાની લાલચે લોકોને એટલા અંધ બનાવી દીધા કે કોઈનું હૃદય પીગળ્યું નહીં.

આ લૂંટફાટની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સૌથી પહેલાં અરાજકતા ફેલાવતા ટોળાને વિખેર્યું હતું. પોલીસે ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને હાઇવે પરથી ક્રેનની મદદથી ટ્રક હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. કૌશામ્બી પોલીસે વાયરલ થયેલા આ શરમજનક વીડિયોની ગંભીર નોંધ લીધી છે અને વીડિયોમાં સ્પષ્ટ દેખાતા લૂંટારુઓની ઓળખ કરી તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:40 PM IST)