તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 2nd July 2026
દેશના 19 રાજ્યોમાં અત્યંત ગંભીર હવામાનની ચેતવણી :ભારે વરસાદની સાથે આકાશી વીજળી પડવાની અને તીવ્ર ગતિએ ફૂંકાતા પવનોની શક્યતા
કેટલીક જગ્યાએ પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેછી જનજીવન પ્રભાવિત થઇ શકે

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 2 જુલાઈ માટે દેશના 19 રાજ્યોમાં અત્યંત ગંભીર હવામાનની ચેતવણી આપવામાં આવી છે. ચોમાસાની સક્રિયતા અને વાતાવરણીય ફેરફારોને કારણે મોટાભાગના ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારે વરસાદની સાથે આકાશી વીજળી પડવાની અને તીવ્ર ગતિએ ફૂંકાતા પવનોની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાએ પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેછી જનજીવન પ્રભાવિત થઇ શકે છે.
દિલ્હી અને NCRમાં વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. આ ઝડપી પવનોને કારણે તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાઈ શકે છે અને ગરમીથી લોકોને રાહત મળશે. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારો જેવા કે મેરઠ, કાનપુર, પ્રયાગરાજ અને સોનભદ્રમાં 2 થી 5 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાન અને પંજાબના અનેક જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. ખાસ કરીને રાજસ્થાનના જયપુર, અજમેર અને ઉદયપુર તથા પંજાબના અમૃતસર અને પટિયાલા જેવા વિસ્તારોમાં ખેતીવાડી અને સામાન્ય જનજીવન પર અસર પડી શકે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈ, પુણે, ઈન્દોર અને નાગપુર જેવા મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખરાબ હવામાન દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખે અને ઝાડ કે વીજળીના થાંભલાઓથી દૂર રહે.
આગામી 48 કલાક દરમિયાન હવામાન વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તંત્રને કોઈપણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાનના આ બદલાતા મિજાજને જોતા પ્રવાસનું આયોજન કરતા લોકોએ પણ અત્યંત સાવધાની રાખવી જરૂરી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
