તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 3rd August 2026
નાસિક સિંહસ્થ કુંભમેળામાં સ્વ-સહાય જૂથો ચલાવશે ખાસ ફૂડ કોર્ટ: ૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ માણી શકશે પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગીઓનો સ્વાદ, ૧૦,૦૦૦ થી વધુ ગ્રામીણ મહિલાઓને મળશે રોજગારી
ઝુનકા-ભાખરી, મોહરી મિસાલ, પીઠલા અને જડીબુટ્ટી યુક્ત હર્બલ ટી પીરસવામાં આવશે: જિલ્લા પરિષદ દ્વારા ૮૦,૦૦૦ સ્વ-સહાય જૂથો માટે માસ્ટરપ્લાન તૈયાર.

નાસિક : આગામી પવિત્ર સિંહસ્થ કુંભમેળા દરમિયાન નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં પધારનારા ૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ અને અનોખું આકર્ષણ ઊભું કરવા જઈ રહ્યું છે. નાસિક જિલ્લા પરિષદ દ્વારા આયોજિત એક ખાસ પહેલ હેઠળ, સ્થાનિક સ્વ-સહાય જૂથો (SHG) ની મહિલાઓ કુંભમેળાના વિવિધ સ્થળોએ ફૂડ કોર્ટ ચલાવશે. આ પહેલથી યાત્રાળુઓને શુદ્ધ અને પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગીઓનો સ્વાદ માણવા મળશે અને સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલશે.
આ ફૂડ કોર્ટ્સમાં ખાસ કરીને મહારાષ્ટ્રની પરંપરાગત વાનગીઓ જેવી કે પીઠલા-ભાકરી, થેચા-ભાકરી, નાચની (નાગલી) ની ભાખરી, નાસિકની પ્રખ્યાત 'મોહરી મિસાલ' અને સ્થાનિક જંગલી વન પેદાશોમાંથી બનતા વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે. આ ઉપરાંત, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓના સ્વાસ્થ્ય માટે આદુ, લીંબુ અને તુલસી યુક્ત હર્બલ ચા, છાશ, લીંબુ શરબત અને અન્ય ઔષધીય પીણાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તમામ ખાદ્યપદાર્થો નાના આકર્ષક બોક્સ અથવા થાળીમાં પીરસવામાં આવશે.
નાસિક જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી ઓમકાર પવારે જણાવ્યું હતું કે, ત્ર્યંબકેશ્વર, પેઠ, સુરગણા અને હરસુલ જેવા ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને એકત્ર કરીને આ ભગીરથ કાર્યનું આયોજન થઈ રહ્યું છે. આ યોજના દ્વારા જિલ્લાના ૮૦,૦૦૦ થી વધુ સ્વ-સહાય જૂથોમાંથી ૧૦,૦૦૦ થી વધુ ગ્રામીણ મહિલાઓને સીધી રોજગારી પ્રાપ્ત થશે.
કુંભમેળા દરમિયાન દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને ઘર જેવો સ્વચ્છ, તાજો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ પહેલથી એક તરફ યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે અને બીજી તરફ સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળશે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
