News of Wednesday, 13th May 2026
કનેસરા ગામના હનુમાનજી મહારાજ શ્રદ્ધાનો સમંદર
૫૦૦ વર્ષ પૌરાણીક બજરંગબલીના સ્થાનકે બુદ્ધિથી પરની ઘટનાઓઃ સોપારી ઉછાળવાની પરંપરાઃ ગામના વરઘોડિયાની છેડા-છેડી હનુમાનજી સમક્ષ છૂટે છેઃ સદીઓ પૂર્વે તુરખિયા પરિવારના વડવાને હનુમાનજી સપનામાં આવ્યા અને સ્થાનક સર્જાયુઃ સમગ્ર હલેન્ડા પંથકમાં ભરપૂર આસ્થા

રાજકોટઃ સૌરાષ્ટ્ર સંત-સુરા- ચોસઠ જોગણી અને બાવન વિરની પવિત્ર ભુમિ છે. અહીં હિમાલયથી પ્રાચીન ગીરનાર પર્વત છે. પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ બીરાજમાન છે. ત્યારે કળયુગના જાગતા દેવ હનુમાનજીના પણ અનેક પૌરાણિક મંદિરો અને નાની-મોટી દેરીઓ આવેલ છે.
આવુ જ એક પ્રાચીન હનુમાનજીનું મંદિર રાજકોટ- ભાવનગર હાઇવે સ્થિત કનેસરા ગામ વાયા હલેન્ડા આવેલુ છે. નાનકડા એવા ગામમાં અનેક વર્ષોથી બીરાજમાન હનુમાનજી આસ્થા અને સેવાનું પ્રતિક છે. આસપાસના ગામમાંથી અનેક લોકો દર્શન કરવા, માનતા પુરી કરવા હનુમાનજીના શરણે આવે છે. કનેસરા ગામમાં મુખ્યત્વે ખેતી અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે.
બળ બુદ્ધિના દાતા, દુઃખ હરનાર નામઝાપાના હનુમાનથી, કનેસરા છે સુખધામ
નાનું સરખું રળિયામણું ગામ કનેસરા. એક જમાનાની સિદ્ધોની પાવનભૂમિ. દેવાધિદેવ કંનનાથ મહાદેવના આશિષ એને મળ્યા છે. સાક્ષાત શિવની જેને ઓથ મળી હોય એની ધન્યતાની તો વાત જ શી કરવી?
ધર્મક્ષેત્ર સમા આ કનેસરા ગામની બીજી એક ન્યારી વાત પણ કરવી છે.ઝાંપાના એ હાજરાહજૂર દેવ એટલે મારુતિ! હા, સિદ્ધોની આ ભૂમિ સ્વયં આ હનુમાનજી મહારાજને પણ પસંદ પડી ગઈ અને તેઓ અહીં ધૂણી ધખાવીને બેસી ગયા. એ વાતનેય આજકાલ કરતાં ૪૦૦ ૫૦૦ વર્ષ થવા જાય છે.
આ પવિત્ર સ્થાનકનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. કહે છે કે તુરખીયા પરિવાર આ ગામમાં વસે. ઘરની આર્થિક સ્થિતિ ઠીક ઠીક. પણ પરિવાર બહુ ધાર્મિક! ભલો. નીતિવાન, ખાનદાની અને પરગજુ પણ ખરો. તુરખિયા પરિવારની પેઢીમાં અવતરેલ ભકત સ્વરૂ૫ પૂર્વજને સપનામાં હનુમાનજી મહારાજ આવ્યા. કહોને કે દર્શન દીધાં. ને ગુણી ભક્તજનને કહ્યું, મારે આયકણે બેસવું છે, ઠરીઠામ થાવું છે! હવે સાક્ષાત હનુમાનજી મહારાજ જયારે આ સિદ્ધભૂમિમાં બેસવા માગે એ તો ઓચ્છવ જ કે બીજું કંઈ? પૂર્વજ તો ભાવવિભોર થઈ ગયા. ને પછી તો શી વાત છે! એ ધરમી પૂર્વજે હનુમાનજી મહારાજની વિધિવત્ ૫ુજા કરી અને સ્થાપના કરી. ગામલોક પણ એ અવસરમાં જોડાયું. ને જાણે હનુમાનજી મહારાજ ગામ આખાના રક્ષક બની ગયા ને દેવાધિદેવ પણ! શ્રી હનુમાનજી મહારાજમાં રહેલી તુરખિયા ૫રિવારની અ૫જ્ર દ્યઘ્ઘાને કારણે પહેલેથી જ તુરખિયા પરિવારના સદસ્ય જ આ મંદિરની પૂજા કરતા હતા એટલે આ સ્થાનકના અલગથી કોઈ મહંત ન હતા.
બન્યું એવું કે હનુમાનજીની સ્થાપના પછી આખાય તુરખિયા પરિવારની વેળા વળી. નસીબ આડેનાં પાંદડાં ખસી ગયાં. ઝીણા મટી જાડા થયા. હનુમાનજીની કળ૫ાથી જ રાજકોટમાં ગયેલો પરિવાર ખૂબ જ સુખી થયો અને પાંચમાં પૂછાતો થયો. કહોને કે હનુમાનજીએ સામું જોયું!
વળી પાછી હનુમાનજી મહારાજની જ કળપા થઈ અને કુદરતી પ્રેરણા થઈ! તુરખિયા ૫રિવાર કનેસરામાં બીરાજેલ બજરંગ બલી કે જેમની સ્થા૫ના અને ૫ુજા તેમના પૂર્વજોએ કરેલી હતી તેમની અર્ચના ફરી ૫જ્છી ચાલુ થઈ.
કનેસરા ગામની આ સિદ્ધભૂમિનું મંગલ કરવા અને રક્ષણ કરવા માટે બિરાજમાન થયેલા આ જિતેન્દ્રિય અને બુદ્ધિમાનોમાંય શ્રેષ્ઠ એવા આપણા હાજરા હજૂર દેવ છે. તમે જો સાચા દિલથી અને શ્રદ્ધાથી તેમને યાદ કરો તો હોકારો આપ્યા વિના રહેતા નથી. કળિયુગના સાક્ષાત દેવ એટલે આ ઝાંપાના હનુમાનજી મહારાજ. અનેક લોકોની મનોકામનાઓ તેમણે પરિપૂર્ણ કરી છે, ઘોર સંકટમાંથી ઉગારી લીધા છે! કોઈ પણ ભક્ત કે યાચક જીવતાજાગતા આ દેવ હનુમાનજીને આંગણેથી પાછું નથી ફર્યું. રામનવમી અને હનુમાનજયંતીએ તો કનેસરા જ નહિ, આસપાસના ગામોના શ્રદ્ધાળુ લોકો અહીં આવીને દર્શનલાભ પામે છે. ઉત્સવનો માહોલ જામે છે. કાળી ચૌદસે પણ લોકો અહીં આવીને હનુમાનજી મહારાજની આરાધના કરે છે.
કનેસરા ગામના ઝાંપે બેસીને કનેસરા ગામ પર આવતા કોઈપણ પ્રકારના સંકટ કે અનિષ્ટને તેઓ દરવાજેથી જ પાછું વળાવી દે છે.. કનેસરા ગામ આખાને હર એક ક્ષણે મંગલમય રાખે છે, નિરામય રાખે છે! ઘણી પેઢીઓથી કનેસરા ગામના લોકોની શ્રદ્ધા ઝાપાના હનુમાનજી પર અસીમ અને અપાર છે. આજે પણ નવ પરિણીત યુગલ પોતાની છેડાછડી છોડવા માટે અહીં આવે છે. પરમ રામભક્ત પાસેથી સુખી તથા મંગલમય જીવનના આશીર્વાદ મેળવે છે. ચારેય દિશામાં અને આકાશમાં સોપારી ઉછાળી ઝાંપાના હનુમાનજી મહારાજના આશીર્વાદ લે છે. કનેસરા ગામની સિદ્ધ ભૂમિ મા બિરાજમાન ઝાંપાના હનુમાનજી મહારાજના આપણે સૌ દર્શન કરીને જીવતર પાવન કરીએ. કનેસરા ગામની આઠેય પોર રક્ષા કરી રહેલા મારૂતીનંદન હનુમાનજીને શત શત પ્રણામ!
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની પヘમિ દિશા તરફ પંદર કિલોમીટર દૂર નાનકડી વારને ઓઠીંગણ દઈ પગ પસારી નિરાંતે બેઠેલું ગામ કનેસરા. કોઈ અલખના આરાધક એવા જટાળા જોગીની અડાજૂડ જટામાં વીંટળાયેલી રુદ્રાક્ષની માળા જેવું આ ગામ ભવ્ય ઈતિહાસની વારસો સાચવીને બેઠું છે. જે ગામની સ્થાપના જ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી જ થઈ હોય, તેમાં બીજી તે શી ખામી હોય ? ઉગમણી દિશા તરફ વહેતી ગંગાતુલ્ય નદી પંચતરણી પોતાના બાળકને પસલીથી પાણી પીવડાવતી હોય તેમ મંદ મંદ ગતિએ ગામને અહીને વહે છે. ઘણી વખાવીને હજારો વર્ષોથી બેઠેલા યોગીની જેમ ચારે તરફ નાના મોટા ડુંગરાઓ (ગઢવાળો, સપરો, લાકુડો, ઝરખિયો, હોથલીયો) ગામને વધુ દર્શનીય બનાવે છે તો પવનચક્કીઓ ગામને ગિરિમયાનો ઓપ આપે છે. ચોતરા ડુંગરાઓથી ઘેરાયેલો આ ભૂમિભાગ યજ્ઞવેદી સમાન પવિત્ર લાગે છે.
પ્રકૃતિમાતાએ આ ગામને ભરપુર સૌંદર્ય આપ્યું છે. જેવું સૌંદર્ય આ ગામની ધરતીમાં છે તેનાથી અદકેરું અહીંના મહેનતું અને મોજીલા ગ્રામવાસીઓની ખુમારીમાં છે. અ આ ખમીરવંતી પ્રજાના દિલમાં દાતારી તથા ધાર્મિકતા ભારોભાર ભરેલી છે.
સારા-માઠા પ્રસંગે ગામ લોકો સંપથી પાર પાડે છે. મેળો અને તહેવારોની ઉત્સાહથી ઉજવણી કરી સમગ્ર વાતાવરણને જીવંત કરી નાખે છે. ગામના લોકો ખૂબ જ ધાર્મિક છે. ઘેરાતી મધરાતે ગવાતા ભજનો સાંભળવા જાણે રામાપીર ઘોડેસવારી કરી આવતા હોય તેવો ભાસ થાય છે.
નવરાત્રીમાં ગરબાના તાલે ગરબે ઘૂમવા સર્વે શક્તિમાતાઓ પોતપોતાનું થાનક છોડી અહી ગરબે રમતા હોય એવું લાગે છે. ગામઠી ગળામાંથી પડછંદી અવાજમાં ગવાતી ભજનવાણી કે ગરબાની રમઝટ વેદમંત્રોની યાદ અપાવી જાય છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે આ લોકો ખૂબ જ આનંદપૂર્વક જીવન જીવી રહ્યાા છે. તેના મૂળમાં ગળથૂથીમાંથી જ મળેલી ધાર્મિક્તા છે. વાત પણ સાચી જ છે જેને એનો (પરમાત્માનો) ભરોસો જ હોય એને બીજાના સાથેની શી જરૂર ?
શ્રમ ભરેલી સવારથી ઉઠતું : બપોરે બે ઘડીની ઝબકી લઈ સાંજે સુખદુઃખની વાતો વહેંથી બધું જ કિરતારના હાથમાં સોંપી સુખની નીંદર માણતા આ ગામના ઇતિહાસ અને તેના દેવસ્થાનકોના આપણે નજીકથી દર્શન કરીએ.
સૌ પ્રથમ આ ગામ જેમના આશીર્વાદથી વસ્યું છે તેવા દેવાધિદેવ મહાદેવના આપણે દર્શન કરીએ અને કળતાર્થ થઈએ.
સામાન્ય રીતે પૂર્વાભિમુખ શિવાલયો આપણે જોઈએ છીએ. શ્રી કંનનાથદાદા અહીં પヘમિ તરફ મુખ રાખી બિરાજેલા છે. શિવનું પヘમિાભિમુખ સ્વરૂપ સદ્યોજાત સ્વરૂપ (તાત્કાલિક ફળ દેનાર) તરીકે ઓળખાય છે.
શ્રી કંનનાથ મહાદેવ મંદિરથી નીકળતું ભોંયરું હલેન્ડા પાસે આવેલા શ્રી ભૂતનાથ મહાદેવના મંદિર સુધી લંબાયેલું છે. ઓઢા જામ અને હોથલે પણ આ શિવની પૂજા કરી શિવદોષમાંથી મુક્ત થઈ પોતાનું મૂળ સ્વરૂપ મેળવ્યું હતું તેવી લોકવાયકા પણ છે. ( તેઓ ગંધર્વ અને અપ્સરા હતા અને તેઓ શિવદોષથી પળથ્વી પર આવ્યા હતાં.)
કનેસરા ગામની સિદ્ધ ભૂમિ મા બિરાજમાન હાજરાહજૂર દેવ ઝાંપાના શ્રી હનુમાનજી
શ્રી કંનનાથ મહાદેવના આશીર્વાદથી જ જે ગામ ધન્ય બન્યું છે એવી કનેસરા ગામની ભૂમિ એટલે સિદ્ધ ભૂમિ. આ કનેસરા ગામમાં આશરે ૪૦૦ ૫૦૦ વર્ષ પહેલાથી જ જેમણે ગામની સિદ્ધ ભૂમિ પર ધૂણી ધખાવીને કનેસરા ગામનું મંગલ કરવા અને રક્ષણ કરવા માટે બિરાજમાન થયા છે એવા હાજરા હજુર દેવ એટલે ઝાપાનાં હનુમાનજી. સાચા દિલથી અને શ્રદ્ધાથી યાદ કરતા જ જે હોકારો આપે છે તેવા કળિયુગના સાક્ષાત દેવ એટલે આ ઝાપાના હનુમાનજી મહારાજ. અનેક લોકોની મનોકામનાઓ/માનતાઓ જેમણે પરિપૂર્ણ કરી છે અને ઘોર સંકટમાંથી ઉગારી લીધા છે એવા જાગતા હનુમાનજી એટલે ઝાપાના હનુમાનજી.
કનેસરા ગામના ઝાપામા જ બેઠેલા છે એટલે કનેસરા ગામમાં આવતા કોઈપણ પ્રકારના સંકટ કે અનિષ્ટને તે ત્યાંથી જ નષ્ટ કરી નાખે છે અને કનેસરા ગામને હર એક ક્ષણે મંગલમય રાખે છે અને કનેસરા ગામની તેઓ આઠે પોર રક્ષા કરી રહ્યા છે.
પ્રાચીન કાળથી જ કનેસરા ગામના લોકોની શ્રદ્ધા ઝાપાના હનુમાનજી પર આજે પણ અતૂટ રહેલ છે લગ્ન થયેલા નવા વરઘોડિયા પોતાની છેડાછડી છોડવા માટે અને સુખી તથા મંગલમય જીવનના આશીર્વાદ લેવા માટે ઝાપાના હનુમાનજીના મંદિરે આજે પણ આવે છે. ચારે દિશામાં અને આકાશમાં સોપારી ઉછાળી ઝાપાના હનુમાનજી મહારાજના આશીર્વાદ લે છે.
કનેસરા ગામની સિદ્ધ ભૂમિ મા બિરાજમાન ઝાંપાના હનુમાનજી મહારાજ ના આપણે સૌ દર્શન કરીને જીવતર પાવન કરીએ
પેલી થાપના પવનપુત્રની રક્ષા કરે કનેસરા તણી, સંક્ટ ટાળે સઘળા સદા ભેરે ઊભા છે અલખધણી.
ઈ.સ. ૧૯૭૮ માં ગામમાં થયેલી અથડામણ વખતે એસ.આર.પી. નો બંદોબસ્ત મૂકાયો. વાવડા નામના રજપૂત યુવાન પણ હતા. તે નોકરીમાંથી જયારે સસ્પેન્ડ હતા ત્યારે શ્રી કંનનાથ મહાદેવે આવી ૧૦૮ લીટર દૂધનો અભિષેક કરવા કહ્યું હતું. આ પ્રકારના અભિષેક કરવાનો મનમાં સંકલ્પ કરવાથી જ તેમને નોકરી પાછી મળેલી. ઉપરોકત વાતના ત્રણ વર્ષ બાદ મહાદેવની કળપાથી તેઓ અહીં આવે છે અને - ૧૦૮ લીટર દૂધનો અભિષેક કરે છે. એક ટીપું દૂધ પણ ગોમુખ સુધી પહોંચતું નથી. ચરણામળત માટેની પ્રાર્થના સાથે છેલ્લો લોટો દૂધનો ઘડાવે છે અને તે દૂધનું સૌ કોઈ આચમન લઈ ધન્યતા અનુભવે છે.
આવા સ્વયંસિદ્ધ શ્રી ક્રેનનાથ મહાદેવના પગ પખાળવા ઉત્સુક એવી પંચતરણી નદી તેમના સ્થાનકને અડીને જ વહી રહી છે. પાંચ જુદા જુદા વહેણ એક સાથે મળવાથી નદીનું સ્વરૂપ રચાયું હોવાથી નદીનું નામ પંચતરણી પડયું છે.
થોડે દૂર જતાં આ નદી સુંદર તળાવનું રૂપ ધારણ કરે છે જે કનેસરા ગામને ખૂબ જ રમણીય રૂપ આપે છે. તળાવ સર્વે માનવ, પશુ તથા પંખીઓની તરસ છીપાવે છે. આ તળાવને કારણે કનેસરા ગામના પાણીના તળમાં સુધારો થયો છે. મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા હોવાથી આ તળાવ તેમની માટે આશીર્વાદરૂપ બન્યું છે.
તળાવને કાંઠેથી ચારે તરફ નજર કરતાં ડુંગરોની ટોચ પર દેખાતી પવનચક્કીઓ સમગ્ર કનેસરા ગામને ચોતરફથી વીંઝણો નાખતી હોય એવું લાગે છે.
પરંપરાગત ઊર્જા સ્ત્રોતના ભંડાર આજે જયારે ખૂટી જવાની તૈયારીમાં છે ત્યારે આ બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતના ભંડાર અખૂટ તથા પ્રદૂષણરહિત છે. ભવિષ્યમાં આ પ્રકારની બિનપરંપરાગત રીતે પ્રાપ્ત થતી ઊર્જા થકી જ આ વિશ્વ વેગમાન રહેશે.
તળાવની નજીક જ ડુંગરની ટોચ પર સિંહમોઈ માતા બીરાજે છે અને સમગ્ર ગામને કોઈ અમંગળથી બચાવવા ગામ પર નજર રાખે છે.
માતાજીના દર્શન કર્યા બાદ પヘમિ દિશા તરફ થોડે દૂર નજર કરતા રળિયામણો અને ઐતિહાસિક ડુંગર હોથલિયો દેખાય છે. શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ પણ પોતાના પુસ્તક ‘‘સૌરાષ્ટ્રની રસધાર''માં (ભાગ-૧થીપ) પાના નંબર-૪૬૦ પર આ ઐતિહાસિક ડુંગરની નોંધ લીધેલ છે.
હોથલિયા ડુંગરની ટોચ પર હોથલમાતાનું સ્થાનક છે. આ ડુંગર અંગેની લૌકવાયકા આ પ્રમાણે છે. કચ્છની ઠકરાત કિયોર કકડાણા રાજના ઘણી હોથીજીની પત્ની મીણલદેએ પોતાના દિયર ઓઢા જામના ચારિત્ર્ય પર ખોટું આળ ચઢાવ્યું હતું. આ કારણે ઓઢા જામને દેશવટો આપવામાં આવ્યો હતો. દેશવટો ભોગવી રહેલા ઓઢા જામ અને સ્વર્ગની અપ્સરા હોથલ મળે છે અને લગ્ન કરતી વખતે હોથલ ઓઢા જામ પાસે વચન માગે છે.
(હોથલ સાથે લગ્ન તલવારની ઘારની જેમ છે, જે દિવસે તે જગતને કહ્યું કે હું મળત્યુલોકની નથી તે દિવસ નું છેલ્લો જાણજે.)
સમય અને સંજોગો એવા આવે છે કે ઓઢા જામને આ ગુપ્ત વાત બહાર પાડવી પડે છે. જેની હોથલને જાણ થતાં દુઃખમાંને દુઃખમા તે પથ્થર માથે માથું અફળાવે છે. તેમનો ચોટલો શિલા પર પછડાય છે અને તે ચોટલાની છાપ અહીંની શિલા પર અંકિત થાય છે. જતાં જતાં હોથલ ઓઢા જામી. લખતી જાય છે. - હોથલ ભોયરામાં જઈ અદ્રશ્ય થયાં તે ભોયરૂ આ ડુંગરની પાછળના ભાગમા છે. આવા ઐતિહાસિક ડુંગર પરથી પૂર્વદિશામાં જોઈએ તો એક મહાદેવનું મંદિર દેખાય છે. તે શ્રી જડિયા મહાદેવ છે. ત્યાંથી આગળ જતાં લાકુડા ડુંગર પર બેઠેલા શ્રી ખોડિયાર માતા તથા સાત બેનડીના દર્શન થાય છે. જયારે ઓછા વરસાદને લીધે નબળું વરસ હોય ત્યારે લોકો અહીં માતાના સ્થાનકે આવી તેમને મનાવે છે અને માતાજી પણ પોતાના બાળકોને કદી નિરાશ કરતાનથી.(૨.૧૫)
કંનનાથ મહાદેવ પヘમિાભિમુખ
સ્વરૂપે બિરાજમાન છે
આજથી ત્રણ હજાર વર્ષ પૂર્વે આ વિસ્તારમાં પ્રાચીન કનકાવટીનગરી હતી. તેના રાજા કનકસેને સરોવર બનાવવાની ઈચ્છા થવાથી પંડિતો બોલાવી સ્થળ નક્કી કર્યુ. પંડિતોએ બતાવેલા સ્થાને રાજાએ ખાતમુહૂર્ત કરવા ત્રિકમનો પહેલો ઘા કરતા લોહીની ધારા થઈ. બીજો ઘા કરતા પાણીની ધારા થઈ અને ત્રીજો ઘા કરતા દૂધની ધરા થઈ. આથી કાશીના પંડિતોએ કહ્યું કે અહી નક્કી શિવાલય હોવું જોઈએ. પંડિતોની વાત સાંભળી કનકરાજાએ હાથ વડે માટી દૂર કરી તો શિવલિંગના દર્શન થયું. દર્શન કરી બધા આનંદિત થયા પરંતુ શિવલિંગ પર ત્રણ ખાડા દેખાયા. આજે પણ આ ખાડા મોજૂદ છે. રાજા કનકસેનને ખૂબ દુઃખ થયું કે તેનાથી તેમના ઈષ્ટદેવને કષ્ટ પહોંચ્યું હતું. તેથી રાજા પ્રાયヘતિરૂપી પ્રાર્થના કરવા લાગ્યા. તેમની પ્રાર્થના સાંભળી આકાશવાણી થઈ કે તમે તમારા હાથ વડે શિવલિંગ બહાર કાઢયું છે તેથી આ મહાદેવ કંનનાથમહાદેવ તરીકે ઓળખાશે. અહીં તું પヘમિાભિમુખ શિવાલય બનાવ જેથી તું શિવના દોષમાંથી મુક્ત થઈશ. રાજાએ એ પ્રમાણે અનુસરી શિવની કળપા મેળવી. કાળક્રમે નગરીનો નાશ થયો પણ શિવમંદિર હાલ મોજૂદ છે.(૨.૧૬)
વિજલબાઇમાને શિવજીએ
દર્શન આપી પુત્રપ્રાપ્તિનું વરદાન આપેલઃ જે દેશળપીરની
જગ્યા તરીકે પ્રખ્યાત
પ્રાચીન સમયમાં આહિરકુળના કાથડભગત અહીં રહેતા. એક વખત તેમના ધર્મપત્ની વિજલબાઈ ભાત લઈને વાડીએ જતાં હતાં. ત્યારે રસ્તામાં સંત સ્વરૂપ શ્રી કંનનાથદાદા મળે છે અને કહે છે કે મને ભૂખ લાગી છે. મને ભોજન કરાવો. વિજલબાઈમાએ તેમને ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યા બાદ શ્રી કંનનાથદાદાએ તેમને સાક્ષાત્ દર્શન દીધા અને વરદાન માગવા કહ્યું. વિજલબાઈમાએ પુત્રપ્રાપ્તિની ઈચ્છા દર્શાવી. શિવજીએ કહ્યું કે તારે ત્યાં પુત્રનો જન્મ થાશે. જેનું નામ દેહો રાખજે. તે બાર વર્ષની ઉંમરે ઘર છોડી ચાલ્યો જશે. તમે તેની ચિંતા કરતા નહિ. તે મહાન શિવભકત બનશે. આ મારું વચન છે. હાલમાં ગરણી ગામમાં દેશળપીરની જગ્યા અને ધૂણો પણ છે.
દર શનિવારે બટુક ભોજનઃ ૭૦૦-૮૦૦ બાળકો લે છે પ્રસાદ
તુરખીયા પરિવાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી દર શનિવારે બટુક ભોજન યોજવામાં આવે છે. જેમાં કનેસરા તથા આસપાસના વાડી-ખેતરોમાંથી ૬ માસથી ૧૩-૧૪ વર્ષ સુધીના ૭૦૦થી ૮૦૦ બાળકો પ્રસાદ લે છે. આ તમામ રસોઇ ચુલે રાંધવામાં આવે છે. ઉપરાંત આખો તુરખીયા પરિવાર પણ અચુક શનિવારે કનેસરા ગામે ઝાપાના હનુમાનજીની સેવામાં હાજર રહે છે.

ઝાપાના હનુમાનજીની ભકિતની પરંપરા જાળવતા ડો.જય વસંતભાઇ તુરખીયા
ડો.જયએ ચારકોટ સોલ્ડર રોગની ગતવર્ષે ગુજરાતમાં સૌપ્રથમવાર રાજકોટ સીવીલ હોસ્પિટલમાં પ કલાક જટીલ સર્જરી કરેલ
રાજકોટઃ શહેરના જૈન અગ્રણી પરિવારોમાં જેની ગણના થાય છે તેવા વસંતભાઇ તુરખીયા પરિવારના વડવાઓ દ્વારા સદીઓ પૂર્વે કનેસરા ગામમાં હનુમાનજીની સ્થાપના કરી અને પુજા, અર્ચના, આરતી સાથે દાદાની ભકિતભાવથી સેવા કરવામાં આવે છે. અહીં દર શનિવારે બટુક ભોજન યોજાય છે. જેમાં કનેસરા તથા આસપાસના ગામ, વાડી, ખેતરમાંથી ૮ માસથી લઇને ૧૪-૧૫ વર્ષ સુધીના ૭૦૦ થી ૮૦૦ બાળકો પ્રસાદ લે છે.
આ સેવાવ્રતને આગળ વધારતા વી.ટી. તુરખીયાના સુપુત્ર ડો.જય તુરખીયા (મો.૯૦૯૯૧ ૭૯૭૯૮) ઓર્થોપેડીક સર્જન હોવા છતા અચૂક શનિવારે ઝાપાના હનુમાનજીની સેવા-ભકિતમાં નતમસ્તક હાજર હોય છે. તેઓ તુરખીયા પરિવારના સંસ્કાર અને વારસાને ઉજાગર કરી રહયા છે.
રાજકોટની સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ૭ વર્ષથી ઓર્થોપેડીક સર્જન ડો. જય વસંતભાઇ તુરખીયાએ પણ ભારતભરમાં ચારકોટ (ખભાની) સર્જરીનો જટીલ અને ખુબ જ પડકારજનક કેસની સફળ સર્જરી કરી છે. ડો. જય તુરખીયાએ જણાવેલ કે, ગરીબ મહિલા દર્દીના ખભાનો સાંધો ઘસાઇ ગયો હતો. ખાનગી હોસ્પીટલમાં આ ઓપરેશન લગભગ ૬ લાખના ખર્ચે થાય છે. ચારકોટ સોલ્ડરમાં દર્દીને પોતાના રોજીંદા કામમાં મુશ્કેલીની સાથે દુઃખાવો પણ સહન કરવો પડે છે. અમુક અંશે પેરાલીસીસ જેવી સ્થિતિ બને છે. આ રોગમાં ખભાના સ્નાયુમાં જીવ રહેતો નથી. કુદરતને પડકાર આપીને ડો. જય તુરખીયાએ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઉંધા ખભા બદલવાનું જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પાડયુ હતું. લગભગ પ કલાક ચાલેલી સર્જરીમાં જો દોરાવાર પણ ચૂક થાય તો દર્દીની નસમાંથી લોહીના ફૂંવારા થાય અને હાથ કાપવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ જાય છે. ડો.જય તુરખીયા દ્વારા અત્યાર સુધીમાં પ હજાર જેટલી સર્જરી કરવામાં આવી છે. ચારકોટ અંગે તેમણે જણાવેલ કે, મુખ્યત્વે આ રોગ ગળાના મણકાના દબાણ (સીરીંગો માઇલ્યા)ના કારણે થાય છે. ૪૫ થી ૫૫ વર્ષની વચ્ચે ચારકોટ થવાની શકયતા હોય છે. વિશ્વભરમાં અમેરિકા- જર્મનીમાં જ આર્ટીફીશ્યલ સોલ્ડર બને છે. રિવર્સ સોલ્ડર રિપ્લેસમેન્ટ ચારકોટમાં ગત વર્ષ સુધી ભારતમાં કરવામાં આવ્યું ન હતું.
ગુજરાતમાં સૌ પ્રથમવાર ચારકોટ શોલ્ડર રોગ માટે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ એટલે કે ઉંધા ખભ્ભાના સાંધા બદલવાનું ઓપરેશન ડો. જય વસંતભાઇ તુરખીયા દ્વારા વિના મુલ્યે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ઓર્થોપેડિક વિભાગમાં ડો. શૈલેશ રામાવતના યુનિટ હેઠળ કરવામાં આવ્યું હતું. ચારકોટ શોલ્ડર એ ખૂબ જ જટીલ રોગ હોય છે જેમાં દર્દીના ખભ્ભાનું હલનચલન બંધ થઇ જતું હોય છે તથા રોજીંદા જીવનના કાર્યોમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ રોગ ખૂબ રેર (જૂજ) પ્રમાણમાં જોવા મળે છે. ખાલી પ% જોવા મળતો રોગ છે.
ડો. જય તુરખીયા સિવિલમાં ૭ વર્ષથી કાર્યરત છે તથા તેમની ટ્રેનીંગ ભારતના સેલિબ્રિટી સર્જન ડો. દિનર્શા પારડીવાલા, ડો. આહિષ બાબુલકર તથા દિલ્હી અપોલો હોસ્પીટલ ખાતે થયેલ છે. અને આવા જરૂરિયાત મંદ દર્દીઓને અચુક સિવિલમાં પધારવા તથા તેમના ટેલેન્ટનો વિના મૂલ્યે લાભ લેવો જોઇએ.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
