<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ગુજરાત ચૂંટણી બજારમાં કેસરીયો લહેરાયો : ભાજપની ૫૫૦થી વધુ બેઠકો પર બિનહરીફ જીત સાથે રેકોર્ડબ્રેક આગેકૂચ : કડી અને ઊંઝામાં વિપક્ષોના સૂપડા સાફ

ઐતિહાસિક જીત : કડી નગરપાલિકામાં બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપનો વિજય અને ઊંઝામાં ૨૨ બેઠકો બિનહરીફ : ૧૦,૦૦૫ બેઠકોમાંથી હવે માત્ર ૯,૪૫૦ પર જ યોજાશે મતદાન!

અમદાવાદ:ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પ્રચંડ પ્રભુત્વ સાબિત કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં ભાજપના ૫૫૦થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જે એક મોટો વિક્રમ છે. અમદાવાદ જિલ્લા, તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓમાં મળીને કુલ ૩૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈ હરીફ મેદાનમાં ન રહેતા તેઓ વિજેતા બન્યા છે. ખાસ કરીને ધોળકા નગરપાલિકામાં ભાજપે 'ધોળકા ધોળ્યું' હોય તેમ ૧૧ બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યો છે, જેમાં સાહિસ્તાબાનુ અને ફરઝાબાનુ સહિતના ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

 નીતિનભાઇ પટેલના ગઢ કડીમાં ઈતિહાસનું પુનરાવર્તન:

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જ્યાંથી ૧૯૮૦ના દાયકામાં પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું, તે કડી નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. અહીં ૨૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવારોએ ફોર્મ જ ભર્યા નહોતા. પરિણામે, બે તૃતીયાંશ બહુમતી સાથે કડી નગરપાલિકામાં સૌથી પહેલા ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. નીતિનભાઇ પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે કડીમાં માત્ર લઘુમતી વસ્તી ધરાવતા વોર્ડમાં જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

 પાટીદારોના ગઢ ઊંઝામાં ભાજપનો દબદબો:

ઊંઝા નગરપાલિકામાં પણ ભાજપે પોતાની તાકાત બતાવી છે. ૩૬ બેઠકોમાંથી ૨૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે કડી અને ઊંઝા આ બંને નગરપાલિકાઓ ભારત પ્રજાસત્તાક બન્યું તે પહેલાં ગાયકવાડી શાસનકાળથી જ 'લોકલ સેલ્ફ ગવર્નન્સ' (સ્થાનિક સ્વશાસન) ધરાવે છે. બ્રિટિશ શાસન દરમિયાન પણ અહીં જન પ્રતિનિધિઓ ચૂંટાતા હોવાનો ઈતિહાસ છે, જે વારસો આજે પણ જળવાઈ રહ્યો છે.

 

 ચૂંટણીના આંકડા અને વર્તમાન સ્થિતિ:

રાજ્યની કુલ ૧૦,૦૦૫ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ભાજપની આક્રમક રણનીતિને કારણે ૫૫૦થી વધુ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. હવે માત્ર ૯,૪૫૦ બેઠકો પર જ મતદાન થશે. વિરોધ પક્ષો દ્વારા અનેક બેઠકો પર ઉમેદવારી ન થતા અથવા ફોર્મ ખેંચાતા ભાજપ માટે જીતનો માર્ગ મોકળો બન્યો છે. આ અસાધારણ જીતથી કેસરીયા છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(5:51 PM IST)