તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 24th September 2026
૧ ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો: આધાર લિંક નહીં હોય તો શું LPG સિલિન્ડરની ડિલિવરી બંધ થઈ જશે? જાણો શું છે સરકારની નવી ગાઈડલાઈન
દેશના ૮૯.૯ ટકા ગ્રાહકોનું બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂર્ણ; e-KYC ન કરાવનારા ગ્રાહકોને પણ મળશે ગેસ સિલિન્ડર, પણ સબસિડી વગર ચૂકવવો પડશે બજાર ભાવ.

નવી દિલ્હી : દેશમાં ૧ ઓક્ટોબરથી સબસિડીવાળા ઘરેલુ LPG ગેસ સિલિન્ડર માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (BAA) ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણય બાદ કરોડો ગેસ ગ્રાહકોના મનમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે, "શું આધાર વેરિફિકેશન પૂર્ણ ન કરનારા ગ્રાહકોના ઘરે સિલિન્ડરની ડિલિવરી બંધ કરી દેવામાં આવશે?" સરકારી માહિતી મુજબ, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. જેમનું પ્રમાણીકરણ બાકી છે તેમને પણ LPG સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે, પરંતુ તેઓ સબસિડીનો લાભ મેળવી શકશે નહીં અને તેમણે બજાર ભાવે નાના (૫ કે ૧૦ કિલો) સિલિન્ડર ખરીદવા પડશે.
સરકારી આંકડા અનુસાર, ૧૯ સપ્ટેમ્બર સુધીમાં દેશના ૨૭૪.૩ મિલિયન સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોમાંથી આશરે ૮૯.૯ ટકા લોકોએ બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. જે લોકોએ આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે તેમણે ફરીથી ઈ-કેવાયસી (e-KYC) કરાવવાની જરૂર નથી. બાકી રહેલા ગ્રાહકો પોતાના ઘરઆંગણે જ ડિલિવરી બોયના મોબાઈલ દ્વારા, નજીકના એલપીજી વિતરકની મુલાકાત લઈને અથવા તો ઈન્ડિયન ઓઈલ (IndaneOilOne), ભારત ગેસ (HelloBPCL) અને એચપી ગેસ (HP Pay) જેવી મોબાઈલ એપ દ્વારા જાતે જ સેલ્ફ ઈ-કેવાયસી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર વેરિફિકેશન પાછળનો મુખ્ય હેતુ સબસિડીનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ કરવાનો છે. બોગસ અથવા ડુપ્લિકેટ ગેસ કનેક્શનો રદ કરીને માત્ર લાયક અને સાચા પરિવારો સુધી જ સબસિડીનો લાભ પહોંચાડવામાં આવશે, જેથી ઘરેલુ ગેસનો કોમર્શિયલ કે ઔદ્યોગિક ક્ષેત્રે થતો ગેરકાયદે ડાયવર્ઝન અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે સરકારે આ પ્રક્રિયા માટે ૩૦ જૂનથી શરૂ કરીને ૧૪ સપ્ટેમ્બર સુધી અનેક વખત સમયમર્યાદા લંબાવી હતી અને ૧૨ કરોડથી વધુ એસએમએસ તથા વોટ્સએપ મેસેજ મોકલીને ગ્રાહકોને સજાગ કર્યા હતા. ગ્રાહકો ઈ-કેવાયસી પૂર્ણ કરીને સબસિડીનો નિરંતર લાભ મેળવતા રહી શકે છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
