<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

RSS વડા મોહન ભાગવતની બ્રિટન મુલાકાત: ખાલિસ્તાની ધમકીઓ અને વિરોધ વચ્ચે લંડનમાં મંદિર તથા ગુરુદ્વારાની મુલાકાત લીધી

અમેરિકા અને કેનેડાના પ્રવાસ બાદ લંડન પહોંચ્યા ભાગવત: 'એકતાની ઉજવણી' કાર્યક્રમમાં ભાગ લેશે: ૩૧૦થી વધુ સંગઠનો સ્વાગત કરશે

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપનાના ૧૦૦મા વર્ષ નિમિત્તે સંઘ વડા મોહન ભાગવત હાલ વિદેશ પ્રવાસે છે. અમેરિકા અને કેનેડાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ બ્રિટનની રાજધાની લંડન પહોંચ્યા છે. બ્રિટનમાં ભારત વિરોધી ખાલિસ્તાન સમર્થકો અને કેટલાક જૂથો તરફથી વિરોધ અને ધમકીઓ મળવા છતાં મોહન ભાગવતના કાર્યક્રમો પૂર્વ નિર્ધારિત શિડ્યુલ મુજબ યોજાઈ રહ્યા છે. લંડન પહોંચીને તેમણે વિલ્સડેન સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર અને ખાલસા જાથા બ્રિટીશ આઇલ્સ ગુરુદ્વારાની મુલાકાત લઈને દર્શન કર્યા હતા, જ્યારે તેઓ એક જૈન મંદિરની પણ મુલાકાત લેવાના છે.

પોતાના યુકે પ્રવાસ દરમિયાન RSS પ્રમુખ વિવિધ ધાર્મિક નેતાઓ, શિક્ષણવિદો, સંશોધકો અને ભારતીય સમુદાયના અગ્રણીઓને મળી રહ્યા છે. શનિવાર, ૬ સપ્ટેમ્બરે લંડનમાં 'ઇન્ટિગ્રલ' અને હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS UK) દ્વારા સંયુક્ત રીતે "એકતાની ઉજવણી"  શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુકે અને ભારત વચ્ચેના સંબંધો, સંવાદ અને સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.

લંડનમાં યોજાનારા આ કાર્યક્રમમાં યુકેભરમાંથી ૩૧૦થી વધુ સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો તથા ૧૧૫ સ્થાનિક સંસ્થાઓ ભાગ લઈ રહી છે. ૧૯૬૬માં બ્રિટનમાં સ્થપાયેલ હિન્દુ સ્વયંસેવક સંઘ અને ઇન્ટિગ્રલ સંસ્થા દ્વારા મોહન ભાગવતનું ભવ્ય સ્વાગત અને સભ્યતા આધારિત સંવાદ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ડાયસ્પોરાના અનેક સમુદાય નેતાઓ હાજરી આપશે.

(7:59 PM IST)