News of Saturday, 25th April 2026
તેલંગાણામાં નક્સલવાદના મૂળિયાં હલ્યા: 47 માઓવાદીઓએ હથિયારો હેઠા મૂક્યા, AK-47 સહિતના જંગી હથિયારોના જથ્થા સાથે કર્યું સરેન્ડર
માઓવાદી સંગઠનને મોટો ફટકો; સ્ટેટ અને ડિવિઝન કમિટીના ઉચ્ચ સ્તરીય નેતાઓ પણ મુખ્યધારામાં જોડાયા, DGP એ કહ્યું- "હિંસા છોડો, વિકાસના પથ પર આગળ વધો"

હૈદરાબાદ: તેલંગાણામાં નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળોને એક ઐતિહાસિક અને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા સાંપડી છે. રાજ્યમાં સક્રિય 47 જેટલા માઓવાદીઓએ હિંસાનો માર્ગ ત્યાગી, હથિયારો નીચે મૂકીને મુખ્યધારામાં જોડાવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો છે. આ આત્મસમર્પણને કારણે માઓવાદી સંગઠનના કિલ્લામાં ગાબડું પડ્યું છે અને રાજ્યમાં શાંતિ સ્થાપવાની દિશામાં એક મજબૂત કદમ માનવામાં આવી રહ્યું છે. તેલંગાણાના DGP બી. શિવધર રેડ્ડીએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા તેને સુરક્ષા એજન્સીઓની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.
આ આત્મસમર્પણની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં માત્ર સામાન્ય સભ્યો જ નહીં, પરંતુ સંગઠનના ઉચ્ચ સ્તરીય કેડરો પણ સામેલ છે. શરણાગતિ સ્વીકારનારાઓમાં દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી અને પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) સાથે સંકળાયેલા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આંકડાકીય વિગત મુજબ, આત્મસમર્પણ કરનારાઓમાં 1 સ્ટેટ કમિટી મેમ્બર, 3 ડિવિઝન કમિટી મેમ્બર અને 24 એરિયા કમિટી મેમ્બર જેવા પાયાના નેતાઓ છે, જેના કારણે સંગઠનનું આખું માળખું વેરવિખેર થઈ ગયું છે.
અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો સોંપ્યો:
માઓવાદીઓએ માત્ર સરેન્ડર જ નથી કર્યું, પરંતુ તેમની પાસે રહેલા જીવલેણ હથિયારોનો જંગી જથ્થો પણ પોલીસને સોંપી દીધો છે. જપ્ત કરાયેલા હથિયારોમાં 4 AK-47 રાઈફલ, 3 SLR, 1 લાઇટ મશીન ગન (LMG), 2 ઇન્સાસ રાઈફલ અને પિસ્તોલ સહિત કુલ 32 અત્યાધુનિક હથિયારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 515 રાઉન્ડ જીવતા કારતુસ અને વિસ્ફોટકો માટે વપરાતા કાર્ડેક્સ વાયરના 10 બંડલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આટલી મોટી માત્રામાં હથિયારોની રિકવરી એ દર્શાવે છે કે આ કેડરો સંગઠનમાં કેટલી મજબૂત પકડ ધરાવતા હતા.
સરકારની પુનર્વસન નીતિની અસર:
DGP બી. શિવધર રેડ્ડીએ જણાવ્યું હતું કે, સરકારની અસરકારક પુનર્વસન નીતિ અને સુરક્ષા દળોના સતત દબાણને કારણે માઓવાદીઓ હવે હિંસા છોડી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "હાલમાં તેલંગાણામાં માઓવાદીઓની કોઈ સક્રિય મૂવમેન્ટ નથી. જે લોકો હજુ પણ જંગલોમાં ભટકી રહ્યા છે, તેમના માટે મુખ્યધારામાં પરત ફરવાના દ્વાર હંમેશા ખુલ્લા છે." આત્મસમર્પણ કરનારા તમામ લોકોને સરકારની યોજના હેઠળ આર્થિક સહાય અને સામાન્ય જીવન જીવવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેલંગાણા પોલીસની આ સફળતાથી હવે રાજ્યના સરહદી વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઓછું થશે અને વિકાસના કાર્યો વેગવંતા બનશે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
