તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Monday, 6th July 2026
શ્રીલંકાની જેલમાં લોહીની નદીઓ વહી: કેદીઓના બે જૂથો વચ્ચે ભીષણ ગેંગવોર અને રમખાણોમાં ૪ સુરક્ષાકર્મીઓ સહિત ૨૫ ના કમકમાટીભર્યા મોત
નેગોમ્બો જેલમાં ડ્રગ માફિયાઓની આમને-સામને લડાઈમાં ૧૦૦થી વધુ ઘાયલ, જેલ પરિસરમાં ગોળીબાર અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો થતા હોસ્પિટલોમાં ચીસયારીઓ ગુંજી

નેગોમ્બો, તા.૦૬: પાડોશી દેશ શ્રીલંકાની નેગોમ્બો મુખ્ય જેલમાંથી એક અત્યંત ચોંકાવનારા અને લોહિયાળ સમાચાર સામે આવ્યા છે. જેલમાં બંધ કેદીઓના બે કટ્ટર હરીફ જૂથો વચ્ચે મોડી રાત્રે ફાટી નીકળેલી હિંસક અથડામણે જોતજોતામાં ભયાનક રમખાણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ લોહિયાળ જંગમાં અત્યાર સુધીમાં ચાર સુરક્ષા કર્મચારીઓ (જેલ રક્ષકો) સહિત પચીસ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૦૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, છેલ્લા પાંચ વર્ષમાં આ દેશનું સૌથી મોટું અને ઘાતક જેલ હુલ્લડ છે.
બે ડ્રગ માફિયા ગેંગ વચ્ચે શરૂ થયો હતો લોહિયાળ ખેલ
પોલીસ અને જેલ પ્રશાસન દ્વારા મળતી વિગતો અનુસાર, આ આખી ઘટના રાજધાની કોલંબોની ઉત્તરે આવેલા નેગોમ્બોની સેન્ટ્રલ જેલમાં બની હતી. રવિવારે રાત્રે બે પાવરફુલ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા જૂથોના કેદીઓ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે, સોમવારે સવાર સુધીમાં આ વિવાદ એટલો વકરી ગયો કે બંને તરફથી કેદીઓ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. સ્થિતિને કાબુમાં લેવા માટે સુરક્ષાકર્મીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી, પરંતુ ઉશ્કેરાયેલા કેદીઓએ તેમના પર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો.
હોસ્પિટલ ડિરેક્ટરનું સત્તાવાર નિવેદન: "અત્યાર સુધીમાં ૨૩ મૃતદેહો જેલમાંથી સીધા હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, જ્યારે બે લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ઘાયલોમાં કેદીઓ અને જેલ રક્ષકો બંને સામેલ છે. કેટલાક લોકોને ગોળી વાગી છે તો કેટલાકના શરીર પર તીક્ષ્ણ હથિયારોના ઊંડા ઘા જોવા મળ્યા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે."
— પુષ્પા ગમલાથ (ડિરેક્ટર, નેગોમ્બો સરકારી હોસ્પિટલ)
હોસ્પિટલ પરિસરમાં કરૂણ દ્રશ્યો અને ચીસાચીસ
આ હિંસા એટલી ભયાનક હતી કે નેગોમ્બોની સરકારી હોસ્પિટલ આખી ઘાયલોથી ઉભરાઈ ગઈ છે. જેલ અને હોસ્પિટલ પરિસરમાં ચારેય તરફ ચીસો અને રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા જેલની આસપાસ વધારાનો પોલીસ કાફલો અને આર્મી તૈનાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ હવે એ તપાસ કરી રહી છે કે જેલની અંદર કેદીઓ પાસે તીક્ષ્ણ હથિયારો અને બંદૂકો ક્યાંથી અને કોની મિલીભગતથી પહોંચ્યા. હાલ પૂરતું જેલની અંદર કડક સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
