News of Saturday, 20th June 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી હલચલ: 80 મિલિયન બેરલ તેલના જથ્થા સાથે 40 વિશાળ ટેન્કરો રવાના થવાની તૈયારીમાં, ઈરાને નવી માર્ગદર્શિકા કરી જારી
લેબનોનમાં તણાવ વચ્ચે વૈશ્વિક ઇંધણ બજાર પર અસર: યુએસ-ઈરાન કરાર બાદ શિપિંગમાં નવી રાહત, આગામી 60 દિવસ સુધી ટ્રાન્ઝિટ ફી માફીની જાહેરાત

નવી દિલ્હી: વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર ગતિવિધિઓ તેજ બની છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા પ્રારંભિક કરારના મુસદ્દા (MoU) બાદ, પર્શિયન ગલ્ફમાં લાંબા સમયથી અટવાયેલા લગભગ 40 જેટલા મોટા ક્રૂડ ઓઇલ કેરિયર્સ પોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કરવા માટે થનગની રહ્યા છે. આ જથ્થો અંદાજે 80 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો હોવાનું માનવામાં આવે છે, જે વૈશ્વિક ઉર્જા બજારને મોટી રાહત આપી શકે છે. જોકે, લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓના કારણે સર્જાયેલી અસ્થિરતાને પગલે ઈરાને આ માર્ગ પર આકરા સુરક્ષા વલણ સાથે કેટલીક નવી શરતો મૂકી છે.
ટેન્કરોનું ગંતવ્ય અને વ્યાપારિક ગણિત
શિપિંગ ડેટા કંપની વોર્ટેક્સાના અહેવાલ મુજબ, ગલ્ફમાં રહેલા 21 મોટા ટેન્કરો એશિયાના દેશો તરફ જવાની તૈયારીમાં છે. જેમાં પાંચ ટેન્કર ચીન જવાના છે, જ્યારે અન્ય પાંચ મલેશિયા અને સિંગાપોર તરફ તેલ ટ્રાન્સફર માટે રવાના થશે. યુદ્ધના ગરમ માહોલમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $114 સુધી પહોંચી ગયા હતા, તે ભાવ હવે સુધારેલા ટ્રાફિક અને કરારને પગલે ઘટીને $75 ની આસપાસ સ્થિર થયા છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.
સુરક્ષા સામેના પડકારો અને નવી માર્ગદર્શિકા
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા બિછાવેલી લગભગ 80 જેટલી લેન્ડમાઇન્સ હજુ પણ જહાજો માટે ગંભીર ખતરો છે. આ જોખમને ધ્યાનમાં રાખીને, ઈરાનની પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ અત્યંત કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. નવા નિયમો મુજબ:
· જહાજોએ હોર્મુઝમાં પ્રવેશતા પહેલા 48 કલાક અગાઉ સત્તાવાળાઓને જાણ કરવી પડશે.
· તમામ નોંધણી દસ્તાવેજો સમયસર રજૂ કરવા પડશે જેથી સરહદ પર વહીવટી વિલંબ ટાળી શકાય.
· મહત્વની રાહત તરીકે, સત્તાવાળાઓએ આવનારા 60 દિવસ સુધી જહાજો પાસેથી કોઈપણ પ્રકારની સેવા ફી (Service Fee) ન લેવાનો નિર્ણય લીધો છે.
જોકે, લેબનોનમાં વણસેલી સ્થિતિને કારણે ઈરાન દ્વારા સમયાંતરે આ માર્ગ બંધ કરવામાં આવતા, વૈશ્વિક શિપિંગ કંપનીઓ માટે આ એક 'વેઈટ એન્ડ વોચ' જેવી સ્થિતિ બની ગઈ છે. આગામી દિવસોમાં આ કરારની અમલવારી તેલના ભાવ અને પુરવઠા પર કેવો પ્રભાવ પાડે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
