News of Thursday, 8th October 2026
લગ્ન કરવાનો ઇનકાર કે બ્રેકઅપ આત્મહત્યા માટેની ઉશ્કેરણી નથી: સુપ્રીમ કોર્ટનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો
તેલંગાણાના કેસમાં ૬ આરોપીઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ : જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું- 'દરેક વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં અલગ રીતે પ્રતિક્રિયા આપે છે, ઈરાદો સાબિત થવો જરૂરી'

નવી દિલ્હી: સંમતિથી બનેલા પ્રેમ સંબંધો અને તેના અંત બાદ ઉદ્ભવતી કાનૂની પરિસ્થિતિઓ અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ અવલોકન કર્યું છે કે જો કોઈ પ્રેમી સંમતિથી સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરે અને ત્યારબાદ યુવતી આત્મહત્યા કરી લે, તો માત્ર આ એક કારણથી તેને આપમેળે આત્મહત્યા માટેની ઉશ્કેરણી ગણી શકાય નહીં. આ મહત્વપૂર્ણ અવલોકન સાથે સર્વોચ્ચ અદાલતે મહિલાને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ હેઠળ છ આરોપીઓ સામે ચાલતી ફોજદારી કાનૂની કાર્યવાહીને રદ કરી દીધી છે.
આ સમગ્ર મામલો તેલંગાણાના મેડચલ-મલકાજગિરી જિલ્લાનો છે, જ્યાં મૃતક યુવતી આશરે ત્રણ મહિનાથી તેના પ્રેમી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે બોયફ્રેન્ડે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હોવાથી નાસીપાસ થઈને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકની બહેનની ફરિયાદના આધારે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી, જેમાં પ્રેમી ઉપરાંત તેના મિત્ર અને પરિવારના સભ્યો સહિત ૬ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ અનુસાર, બંને વચ્ચે સંમતિથી સંબંધ હતો, પરંતુ પરિવારનો વિરોધ અને અન્ય વિવાદોના કારણે લગ્ન શક્ય બન્યા ન હતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની પીઠે કેસની સુનાવણી કરતા નોંધ્યું હતું કે આત્મહત્યા કરતા પહેલાં યુવતીએ તેની બહેનને ફોન કરીને પ્રેમીના ઇનકાર વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતીય ન્યાય સંહિતા અથવા આઈપીસી હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો પુરવાર કરવા માટે આરોપીનો ઈરાદો અને ઉશ્કેરણીજનક કૃત્ય સાબિત થવું અત્યંત જરૂરી છે. અદાલતે ઉમેર્યું કે દરેક વ્યક્તિ મુશ્કેલ અને માનસિક તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપતી હોય છે; તેથી બ્રેકઅપ કે સંબંધના અંતને આત્મહત્યા માટેની પ્રત્યક્ષ ઉશ્કેરણી માની શકાય નહીં. રેકોર્ડ પર કોઈ નક્કર પુરાવા ન હોવાથી અદાલતે તમામ ૬ આરોપીઓ સામેની કાર્યવાહી ફગાવી દીધી હતી.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
