News of Thursday, 7th May 2026
ભારતીય વાયુસેનામાં 20 વર્ષ દેશ સેવાથી લઈને સુવેન્દુ અધિકારીના ખુબ જ વિશ્વાસુ સાથી સુધીની સફર : જાણો કોણ હતા ચંદ્રનાથ રથ
હુમલાખોરોએ મધ્યમગ્રામના દોહરિયા વિસ્તારમાં ચંદ્રનાથ રથની કારનો પીછો કર્યો હતો. તક મળતા જ ગુનેગારોએ કારને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં આવેલું મધ્યમગ્રામ શહેર ગત બુધવારે રાત્રે ગોળીબારના અવાજથી ધણધણી ઉઠ્યું હતું. ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અત્યંત નજીકના ગણાતા ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ મધ્યમગ્રામના દોહરિયા વિસ્તારમાં ચંદ્રનાથ રથની કારનો પીછો કર્યો હતો. તક મળતા જ ગુનેગારોએ કારને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. અહેવાલો મુજબ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 ગોળીઓ ચંદ્રનાથના માથાના ભાગે વાગી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આ ઘટનાને 'પૂર્વયોજિત કાવતરું' ગણાવતા સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે બંગાળમાંથી 'ગુંડાઓનો સફાયો' કરવામાં આવશે.
41 વર્ષીય ચંદ્રનાથ રથ મૂળ પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદપુરના વતની હતા. તેમનું પ્રારંભિક જીવન શિસ્ત અને આધ્યાત્મિકતાથી ભરેલું હતું. રાહરા રામકૃષ્ણ મિશનમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે લગભગ 20 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં દેશની સેવા કરી હતી. રામકૃષ્ણ મિશનના સિદ્ધાંતોથી પ્રભાવિત રથ એક સમયે આધ્યાત્મિક જીવન જીવવાનું પણ વિચારી રહ્યા હતા.
હવાઈ દળમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ, તેઓ કોર્પોરેટ સેક્ટરમાં જોડાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમનો ઝુકાવ રાજકારણ તરફ વધ્યો હતો.
ચંદ્રનાથ રથનો પરિવાર દાયકાઓથી સુવેન્દુ અધિકારીના પરિવાર સાથે જોડાયેલો હતો. રસપ્રદ વાત એ છે કે, રથનો પરિવાર પહેલા તૃણમૂલ કોંગ્રેસ સાથે હતો. તેમની માતા હસી રથ TMC ના શાસન દરમિયાન પંચાયતમાં પદ સંભાળી ચૂક્યા હતા. જોકે, 2020 માં જ્યારે સુવેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા, ત્યારે ચંદ્રનાથ પણ તેમની સાથે ભગવા રંગે રંગાયા હતા.
ચંદ્રનાથ રથ પક્ષના સંગઠનના એક મહત્વપૂર્ણ અને વિશ્વાસુ ચહેરા મનાતા હતા. તેઓ પડદા પાછળ રહીને પક્ષના સંગઠનાત્મક માળખા અને લોજિસ્ટિક્સનું અસરકારક સંચાલન કરતા હતા. ભવાનીપુરની હાઈ-વોલ્ટેજ પેટાચૂંટણી સહિત અનેક મહત્વપૂર્ણ ચૂંટણી લડાઈઓમાં તેમણે મુખ્ય રણનીતિકાર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, તેઓ પક્ષના પાયાના કાર્યકરો અને સુવેન્દુ અધિકારી વચ્ચે સેતુ સમાન કડી તરીકે કાર્ય કરતા હતા.
ભાજપના આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે જો પક્ષ સત્તામાં આવશે, તો ચંદ્રનાથ રથને કોઈ મોટી વહીવટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, તેમની આ ઘાતકી હત્યાએ તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે અને બંગાળના લોહિયાળ રાજકારણમાં વધુ એક દુઃખદ પ્રકરણ ઉમેર્યું છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
