News of Thursday, 4th June 2026
રાજ્યસભાની ટિકિટઃ ભાજપ જાહેર કરશે ૪ ઉમેદવારોના નામ
૬ કે ૭ જૂન આસપાસ પોતાના ગુજરાતમાં ચાર ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા

નવી દિલ્હી,તા.૪: ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકો માટેની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૮ જૂન છે, જેને ધ્યાનમાં રાખતા ભાજપ દ્વારા આગામી ૬ કે ૭ જૂન આસપાસ પોતાના ચાર ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતા ભાજપ આ ચારેય બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે, તો ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બની શકે છે.ભાજપ આ વખતે 'નો-રિપીટેશન થિયરી' અપનાવી શકે છે. હાલ જે સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે (જેમાં રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલાબેન બારા અને શક્તિસિહ ગોહિલની બેઠકોનો સમાવેશ થાય છે), તેમને ફરીથી તક મળવાની શક્યતા ઓછી છે.ભાજપ ઉમેદવારોની પસંદગીમાં જાતિગત સમીકરણો અને નવા યુવા ચહેરાઓને વિશેષ મહત્વ આપશે. જેમાં પાટીદાર, બ્રાહ્મણ, આદિવાસી, ઓબીસી કે દલિત સમાજને પ્રતિનિધિત્વ મળી શકે છે.પક્ષ દ્વારા ચાર પૈકી એક બેઠક પર મહિલા ઉમેદવારને તક આપવામાં આવે તેવી પણ પ્રબળ ચર્ચાઓ ચાલી રહી છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
