<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાજસ્થાન હાઈકોર્ટની નાગૌર પોલીસને જોરદાર ફટકાર : ચોરીના કેસની તપાસ કરવા માટે હેડ કોન્સ્ટેબલ ફરિયાદીને તાંત્રિક પાસે લઈ જતા અદાલતે નારાજગી વ્યક્ત કરી તપાસ ઓફિસર બદલવાનો હુકમ કર્યો

​કોઈપણ ગુનાહિત કેસની તપાસ અંધશ્રદ્ધા કે કાલ્પનિક શક્તિઓના આધારે ન થઈ શકે તેવું સ્પષ્ટ અવલોકન કરતા હાઈકોર્ટે એસપીને ૧૫ દિવસમાં અન્ય સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટરને કેસ સોંપવા આદેશ આપ્યો

જોધપુર: આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં પણ પોલીસ દ્વારા ગુનાની તપાસ માટે અંધશ્રદ્ધાનો આશરો લેવામાં આવતો હોવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનમાં સામે આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે નાગૌર જિલ્લાની પોલીસને કડક શબ્દોમાં આડેહાથ લીધી છે અને ફટકાર લગાવી છે કે દેશનો કાયદો પુરાવાઓ પર ચાલે છે, કોઈ તાંત્રિક કે ચમત્કારો પર નહીં. હાઈકોર્ટના સિંગલ જજ જસ્ટિસ મુન્નુરી લક્ષ્મણની બેન્ચે આ મામલે ગંભીર નોંધ લઈને નાગૌરના પોલીસ અધિક્ષક (એસપી)ને તાત્કાલિક અસરથી વર્તમાન તપાસ અધિકારીને હટાવીને અન્ય પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીને કેસ સોંપવાનો કડક આદેશ કર્યો છે.

​આ અજીબોગરીબ મામલાની વિગત એવી છે કે નાગૌર જિલ્લાના અરજદારના ઘરે ગત ૭ માર્ચ ૨૦૨૬ના રોજ એક મોટી ચોરી થઈ હતી, જેમાં અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને મોટી રકમની રોકડ રકમ ચોરી ગયા હતા. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ રતિરામને સોંપવામાં આવી હતી. લાંબા સમય સુધી તપાસ કરવા છતાં જ્યારે હેડ કોન્સ્ટેબલ ચોરોને પકડવામાં કે મુદ્દામાલ રિકવર કરવામાં નિષ્ફળ રહ્યો, ત્યારે તેણે કાયદાકીય પદ્ધતિઓ અપનાવવાને બદલે શોર્ટકટ શોધવાનું શરૂ કર્યું હતું.

​અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તપાસ અધિકારી રતિરામ ફરિયાદી અને ગામના કેટલાક પ્રતિષ્ઠિત લોકોને પોતાની સાથે રાજસ્થાનના અલવર ખાતે આવેલા એક પ્રખ્યાત તાંત્રિક પાસે લઈ ગયો હતો. ત્યાં તાંત્રિકે પોતાની કથિત વિદ્યાના જોરે દાવો કર્યો હતો કે ફરિયાદીના વેવાઈ મોહનરામ જ આ ચોરીના મુખ્ય સૂત્રધાર અને આરોપી છે. આ તાંત્રિકના કહેવા પર ભરોસો રાખીને હેડ કોન્સ્ટેબલે કોઈપણ નક્કર પુરાવા વિના મોહનરામ અને તેના પરિવારને હેરાન કરવાનું અને તે દિશામાં જ તપાસ કરવાનું શરૂ કરી દીધું હતું, જેનાથી પરેશાન થઈને પરિવારે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર khખડાવ્યા હતા.

​હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલ મનોહર સિંહ રાઠોડે ભારપૂર્વક દલીલ કરી હતી કે ભારતીય કાયદામાં તાંત્રિક કે જ્યોતિષીઓના વિધાનોના આધારે ગુનાની તપાસ કરવાની કોઈ જોગવાઈ નથી અને આ પ્રક્રિયા તદ્દન ગેરબંધારણીય છે. સરકારી વકીલે પણ સ્વીકાર્યું હતું કે તપાસ અધિકારી અલવર ખાતે તાંત્રિકના અડ્ડા પર ગયા હતા. આ સાંભળીને હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આદેશ આપ્યો કે તપાસ હંમેશા નિષ્પક્ષ, પારદર્શક અને કાયદાના ચોકઠામાં જ થવી જોઈએ. કોર્ટે એસપીને ૧૫ દિવસની અંદર આ કેસ નવીન ઓફિસરને સોંપી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

(3:14 PM IST)