તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Sunday, 26th April 2026
પુતિનની અમર થવાની અને સત્તા ટકાવી રાખવાની મથામણ: 150 વર્ષનું આયુષ્ય આપતી ‘એન્ટી-એજીંગ’ દવા તૈયાર કરવા રશિયાનું અત્યંત ગુપ્ત મિશન
જનીન થેરાપી દ્વારા વૃદ્ધત્વ રોકવા રશિયન વિજ્ઞાનીઓને રાષ્ટ્રપતિનો આદેશ, વર્ષ 2050માં પોતાના 11 વર્ષના પુત્રને સત્તાનો વારસો સોંપવા પુતિનનો માસ્ટર પ્લાન હોવાની ચર્ચા અને કુદરતી પ્રક્રિયામાં દખલગીરી સામે ઉઠતા અનેક સવાલો

મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માનવ આયુષ્યને 150 વર્ષ સુધી લંબાવવા માટે એક અત્યંત ગુપ્ત અને મહત્વાકાંક્ષી ‘નેશનલ મિશન’ શરૂ કર્યું છે. રશિયન વિજ્ઞાનીઓ હાલમાં વિશ્વની પ્રથમ એવી ‘એન્ટી-એજીંગ’ દવા વિકસાવી રહ્યા છે જે શરીરમાં વૃદ્ધત્વ માટે જવાબદાર RAGE રીસેપ્ટર્સને બ્લોક કરી દેશે. આ જનીન થેરાપી (Gene Therapy) દ્વારા કોષોને લાંબા સમય સુધી યુવાન રાખવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 73 વર્ષીય પુતિનની આ જીદ પાછળ માત્ર લાંબુ જીવવાની ઈચ્છા જ નહીં, પરંતુ રશિયા પર પોતાનો પ્રભાવ જાળવી રાખવાની અને ભવિષ્યમાં સત્તાનો વારસો પોતાના 11 વર્ષના પુત્ર ઇવાનને સોંપવાની ગણતરી હોવાનું માનવામાં આવે છે.
આ સંશોધનમાં પુતિનની પુત્રી મારિયા વોરોન્ટસોવા, જે પોતે હોર્મોન નિષ્ણાત છે, તે પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. રશિયાના વિજ્ઞાન પ્રધાન ડેનિસ સેકિરિન્સ્કીના જણાવ્યા મુજબ, આ મિશનનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં હજારો વૃદ્ધોને મૃત્યુથી બચાવવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેન યુદ્ધમાં જવાનો ગુમાવી ચૂકેલું રશિયા આ દવાનો ઉપયોગ લાંબો સમય દેશસેવા કરી શકે તેવા ‘સુપર સોલ્જર્સ’ તૈયાર કરવા માટે પણ કરી શકે છે. પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે પણ જનીન ટેકનોલોજી દ્વારા માનવ અંગોના ટ્રાન્સપ્લાન્ટ અને દીર્ઘાયુ બનવા અંગે અગાઉ ચર્ચાઓ થઈ હોવાના અહેવાલોથી આ મિશન વધુ રહસ્યમય બન્યું છે.
જોકે, આ સંશોધન હજુ પ્રાયોગિક તબક્કામાં છે અને તેના અનેક ગંભીર પાસાઓ પણ છે. પુતિનના ‘એન્ટી-એજીંગ ગુરુ’ પ્રોફેસર વ્લાદિમીર ખાવિન્સન, જેમણે સોવિયેત સૈન્ય માટે ‘પેપ્ટાઇડ કોકટેલ’ બનાવી હતી, તેમનું ગયા વર્ષે 77 વર્ષની વયે અવસાન થતા આ પ્રોજેક્ટ પર સવાલો ઉઠ્યા છે. જો આ દવા સફળ થશે તો શું તે સામાન્ય જનતા માટે ઉપલબ્ધ હશે કે માત્ર સત્તાધીશો માટે? વધુમાં, કુદરતની પ્રક્રિયામાં આવી દખલગીરીથી પૃથ્વી પર વધારાનો વસ્તીબોજ અને સામાજિક અસંતુલન પેદા થવાની ભીતિ પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અમર થવાની આ લાલસા માનવજાત માટે વરદાન સાબિત થશે કે અભિશાપ, તે તો સમય જ કહેશે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
