News of Tuesday, 21st July 2026
પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ હાલ પૂરતી મુલતવી: હરિયાણા સરકાર સાથે ૨ માંગણીઓ પર સહમતિ સાધવામાં આવી, શંભુ અને ખનૌરી સરહદ ફરી ખુલી!
યુએસ-ઇન્ડિયા ટ્રેડ ડીલના વિરોધ વચ્ચે કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણા સાથેની વાટાઘાટો સફળ: ૨૭ જુલાઈ સુધી શંભુ બોર્ડર પર કલમ ૧૬૩ લાગુ, કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણ સાથે ટૂંક સમયમાં બેઠક યોજાશે

ચંડીગઢ : અમેરિકા-ભારત વેપાર કરારના વિરોધમાં દિલ્હી તરફ કૂચ કરી રહેલા પંજાબના ખેડૂતો અને હરિયાણા સરકાર વચ્ચે મંગળવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મોટો વળાંક આવ્યો છે. હરિયાણાના કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણા સાથેની વાટાઘાટોમાં બે પ્રમુખ માંગણીઓ પર સહમતી સધાતાં ખેડૂતોએ તેમની દિલ્હી કૂચ હાલ પૂરતી મુલતવી રાખવાની જાહેરાત કરી છે. બપોરે ૩ વાગ્યા બાદ શંભુ અને ખનૌરી સરહદ પરથી ખેડૂતો પરત ફરવાનું શરૂ થયું હતું, જ્યારે કુરુક્ષેત્ર પોલીસે ધરપકડ કરાયેલા પ્રમુખ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચડુનીને મુક્ત કરી દીધા છે.
ભારતીય કિસાન સંઘના રાજ્ય સચિવ દિલબાગ સિંહ દિરાજકે અને ખેડૂત નેતા સર્વન પંઢેરે જણાવ્યું હતું કે સરકાર સાથેની સકારાત્મક ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે ૮-૧૦ દિવસમાં યોજાશે બેઠક
ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણાના આશ્વાસન મુજબ અટકાયત કરાયેલા તમામ ખેડૂત નેતાઓને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે. આગામી ૮ થી ૧૦ દિવસમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાટાઘાટોનો નવો તબક્કો શરૂ થશે, જેમાં વિવાદિત યુએસ-ઇન્ડિયા ટ્રેડ ડીલ (US-India Trade Agreement) અંગે પણ વિગતવાર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.
સરહદો પર ભારે પોલિસ બંદોબસ્ત અને કલમ ૧૬૩ ચાલુ રહેશે
આ અગાઉ, વહેલી સવારે દિલ્હી જવા નીકળેલા ખેડૂતોને રોકવા માટે હરિયાણા પોલીસે પટિયાલા-અંબાલા વચ્ચેની શંભુ સરહદ અને સંગરુર-જીંદ વચ્ચેની ખાનૌરી સરહદ પર સિમેન્ટના બેરિકેડ્સ અને જેસીબી મશીનો ગોઠવીને રસ્તાઓ સીલ કરી દીધા હતા. સુરક્ષાના ભાગરૂપે અંબાલા જિલ્લા પ્રશાસને શંભુ બોર્ડર પર ૨૭ જુલાઈ સુધી કલમ ૧૬૩ લાગુ કરી દીધી છે. આ સમયગાળા દરમિયાન પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા કે બિનજરૂરી અવરજવર પર પૂર્ણ પ્રતિબંધ રહેશે.
ભાજપનો આકરો પલટવાર: "ડીલ થઈ જ નથી તો વિરોધ શાનો?"
બીજી તરફ, પંજાબ ભાજપના પ્રવક્તા અનિલ સરીને ખેડૂત આંદોલન પર સવાલો ઉઠાવતા કહ્યું કે, "હજુ સુધી ભારત-અમેરિકા વચ્ચે કોઈ ટ્રેડ ડીલ આખરી થઈ જ નથી, તો પછી ખેડૂતો શાના માટે વિરોધ કરી રહ્યા છે? જે કામ સરકારે કર્યું જ નથી તેનો વિરોધ કરીને કેટલાક તત્વો પંજાબનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે."
જોકે, નેશનલ હાઇવે (NH-44) પર ટ્રાફિક ડાયવર્ટ કરીને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે અને પોલીસે લોકોને કટોકટીના સમયે ૧૧૨ હેલ્પલાઈન પર સંપર્ક કરવા અપીલ કરી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
