News of Sunday, 3rd May 2026
પુણે દુષ્કર્મ-હત્યાકાંડ : પીડિતાના પિતાનો નેતાઓ સામે આક્રોશ, કહ્યું- 'જ્યાં સુધી નરાધમને ફાંસી ન મળે ત્યાં સુધી કોઈ રાજકારણી ઘરે ન આવે'
ભોર તાલુકાના નસરાપુરની ઘટનામાં 65 વર્ષીય નરાધમની ધરપકડ બાદ દેવેન્દ્ર ફડણવીસ અને અનિલ દેશમુખ આમને-સામને : સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી મૃત્યુદંડની ખાતરી આપી

પુણે:મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુર ગામમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર થયેલા અમાનવીય અત્યાચાર અને હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ પીડિત પિતાએ રાજકારણીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી તેમની દીકરીને ન્યાય ન મળે અને ગુનેગારને ફાંસીના માંચડે લટકાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ રાજકીય નેતાએ તેમના ઘરે સાંત્વના આપવા આવવું નહીં.
નરાધમની ક્રૂરતાની પરાકાષ્ઠા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુનામાં સામેલ 65 વર્ષીય શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મજૂરી કામ કરતા આ નરાધમે માસૂમ બાળકીને ખાવાનું આપવાની લાલચ આપી ગૌશાળા જેવા નિર્જન સ્થળે લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા માટે પથ્થરના ઘા ઝીંકી બાળકીની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનોએ પોલીસ ચોકીનો ઘેરાવ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા.
રાજકારણીઓને કડક શબ્દોમાં વિનંતી
મીડિયા સાથે વાત કરતા પીડિતાના પિતાએ જણાવ્યું કે, "મારી અને મારા પરિવારની માત્ર એક જ વિનંતી છે કે જે દિવસે તે ગુનેગારને ફાંસીની સજા થશે, તે દિવસે જ અમે રાજકારણીઓ કે અન્ય કોઈને મળીશું. ત્યાં સુધી કોઈ પણ નેતાએ અમારા ઘરે દુઃખ વ્યક્ત કરવા આવવું નહીં." આ નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
રાજકીય ગરમાવો અને સરકારની ખાતરી
આ ઘટના હવે એક મોટો રાજકીય મુદ્દો બની ગઈ છે. પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી (એસપી) નેતા અનિલ દેશમુખે શક્તિ એક્ટના અમલીકરણની માંગ કરતા દેવેન્દ્ર ફડણવીસ સરકાર સામે કાયદો અને વ્યવસ્થાના સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે તેમણે પીડિતાના પિતા સાથે બે વખત વાત કરી છે અને સરકાર આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને 'રેકોર્ડ બ્રેક' સમયમાં ન્યાય અપાવશે. તેમણે આરોપીને મૃત્યુદંડ અપાવવા માટે સરકાર મક્કમ હોવાની ખાતરી પણ આપી છે.
ચુસ્ત બંદોબસ્ત અને કાયદાકીય પ્રક્રિયા
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પોલીસને આદેશ આપ્યો છે કે કેસને મજબૂત બનાવવા માટે નક્કર પુરાવા એકત્રિત કરવામાં આવે. વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારને સંપૂર્ણ સહયોગ આપવાની લેખિત ખાતરી આપવામાં આવી છે. હાલમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર પંથકમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
