તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Sunday, 4th October 2026
ઇઝરાયેલના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદી અને ભારતીય પાયલોટ સ્મિત મછારને વિશેષ આમંત્રણ: નેતાન્યાહુએ 'વિશ્વના હીરો' ગણાવ્યા
કોકપિટમાં આતંકી હુમલા વચ્ચે મુસાફરોનો જીવ બચાવનાર ફ્લાયદુબઇના કેપ્ટન સ્મિત અને PM મોદીને મશાલો પ્રગટાવવાનું સર્વોચ્ચ સન્માન અપાશે

તેલ અવીવ / નવી દિલ્હી:ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્લાયદુબઇના ભારતીય કેપ્ટન સ્મિત મછારને ઇઝરાયેલના આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાનારા ખાસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા અને 'ઉજવણીની મશાલ' (celebratory flame) પ્રગટાવવા માટે ભાવભીનું આમંત્રણ આપ્યું છે. ઇઝરાયેલ સરકાર દ્વારા આ સન્માન સામાન્ય રીતે માત્ર પોતાના દેશના નાગરિકોને જ આપવામાં આવે છે, જેને આ વખતે અપવાદરૂપે ભારતીય કેપ્ટન અને ભારતના વડાપ્રધાન માટે લંબાવવામાં આવ્યું છે.
કોકપિટમાં શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના
હાલમાં દુબઇથી તેલ અવીવ જઇ રહેલી ફ્લાયદુબઇ (Flydubai) ફ્લાઇટ FZ1073 માં ઉડાન દરમિયાન એક ભયાનક ઘટના બની હતી. કોકપિટમાં સહ-પાયલોટે અચાનક જ ભારતીય કેપ્ટન સ્મિત મછાર પર કુહાડી વડે હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં, કેપ્ટન સ્મિતે અદ્ભુત હિંમત દર્શાવીને પોતાની સમગ્ર તાકાતથી કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. દરવાજો ખૂલતાની સાથે જ બહારથી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે અંદર આવીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. આ જાગરૂકતા અને સાહસને કારણે વિમાનમાં સવાર સેંકડો મુસાફરોના જીવ બચી ગયા હતા અને વિમાનનું સાઉદી અરેબિયાના તબૂક ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સત્તાવાળાઓએ આ ઘટનાને આતંકવાદી હુમલાનો પ્રયાસ ગણાવ્યો છે.
"તમે ભારત, ઇઝરાયેલ અને સમગ્ર વિશ્વના હીરો છો"
UAE ની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કેપ્ટન સ્મિત સાથે વડાપ્રધાન નેતાન્યાહુએ ટેલિફોનિક વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન નેતાન્યાહુએ સ્મિતની બહાદુરીના મુક્તકંઠે વખાણ કરતા કહ્યું હતું, "તમે માત્ર વિમાનના મુસાફરોના જીવ જ નથી બચાવ્યા, પરંતુ આખી દુનિયાની આત્મા અને ભાવનાને બચાવી છે. અશક્ય સંજોગોમાં તમે જે ધૈર્ય અને હિંમત દર્શાવી છે તે અદ્ભુત છે. તમે ઇઝરાયેલ, ભારત અને આખા વિશ્વ માટે સાચા હીરો છો."
ઐતિહાસિક આમંત્રણ
નેતાન્યાહુએ ઉમેર્યું હતું કે, "અમારા સ્વતંત્રતા દિવસે મશાલ પ્રગટાવવી એ ઇઝરાયેલનું સર્વોચ્ચ સન્માન છે. સામાન્ય રીતે તે ઇઝરાયેલના નાગરિકો માટે હોય છે, પરંતુ આ કિસ્સામાં આખો ઇઝરાયેલી સમાજ તમને આવકારવા ઉત્સુક છે. હું મારા પરમ મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમને ઇઝરાયેલના સ્વતંત્રતા દિવસે આ મશાલ પ્રગટાવવા માટે આદરપૂર્વક આમંત્રિત કરું છું."
કેપ્ટન સ્મિત મછારની હાલ યુએઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ભારતીય દૂતાવાસ પણ તેમના સતત સંપર્કમાં છે. ઇઝરાયેલી વડાપ્રધાનનું આ આમંત્રણ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત સંબંધો અને ભારતીય નાગરિકની વૈશ્વિક સ્તરે સન્માનાયેલી બહાદુરીનું પ્રતીક બની ગયું છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
