News of Saturday, 25th July 2026
NEET સંકટ વચ્ચે ચાર્જ સંભાળતા જ પ્રહલાદ જોશીનું મોટું નિવેદન: 'PM મોદીના વિશ્વાસ પર ખરો ઉતરીશ, સંપૂર્ણ ક્ષમતાથી નિભાવીશ જવાબદારી!'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સ્વીકાર્યો: પૂર્વ મંત્રીના કાર્યકાળની પ્રશંસા કરતા કહ્યું, 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ ઐતિહાસિક સિદ્ધિ'

નવી દિલ્હી : NEET પેપર લીક વિવાદ અને દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનના ભારે દબાણ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વરિષ્ઠ ભાજપ નેતા પ્રહલાદ જોશીએ શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે આપેલા પ્રથમ નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને દેશની શિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મંત્રાલયની જવાબદારી સ્વીકારતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, "હું અત્યંત નમ્રતા અને નિષ્ઠા સાથે આ મહત્વપૂર્ણ જવાબદારી સ્વીકારું છું. મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું વડાપ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભારી છું. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ હું મારી સંપૂર્ણ ક્ષમતા અને સમર્પણ ભાવથી કામ કરીશ." તેમણે ઉમેર્યું કે છેલ્લા ૧૨ વર્ષમાં સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે.
પોતાના નિવેદનમાં પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના યોગદાનને બિરદાવતા પ્રહલાદ જોશીએ કહ્યું કે, "છેલ્લા ૪-૫ વર્ષોમાં ધર્મેન્દ્ર પ્રધાને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ને સફળતાપૂર્વક લાગુ કરીને દેશના શૈક્ષણિક માળખાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે." હાલમાં ગ્રાહક બાબતો અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સંભાળી રહેલા કર્ણાટકના અનુભવી નેતા પ્રહલાદ જોશી સામે હવે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો મુખ્ય પડકાર રહેશે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
