તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 22nd April 2026
જીએસટી સર્વરમાં ખામીનો આખરે પોર્ટલ પર સ્વીકાર
સર્વરની ખામી હોવાના લીધે રિટર્ન ભરવાની મુદત એક દિવસ લંબાઇ

મુંબઈ,તા.૨૨: છેલ્લા આઠ વર્ષથી જીએસટી પોર્ટલ પર સમયાંતરે ટેફનિકલ ખામીઓને કારણે રિટર્ન ભરવામાં સમસ્યા સર્જાઈ રહી છે. તે અંગે વખતોવખત રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પોર્ટલના સર્વરની ખામીનો સ્વીકાર કરવામાં આવતો નહોતો. આઠ વર્ષ વીતી ગયા બાદ પહેલી વખત પોર્ટલના સર્વરની ખામી છેલ્લા બે દિવસથી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના કારણે જીએસટી ૩બી રિટર્ન ભરવાની મુદતમાં એક દિવસનો વધારો પણ કરવામાં આવ્યો છે. જેથી વેપારીઓને રિટર્ન ભરવામાં સરળતા રહેવાની શક્યતા રહેલી છે. તેમજ લેટ ફીમાંથી મુક્તિ મળે તેવી શક્યતાઓ ઊભી થઇ છે.
૧ જુલાઈ ૨૦૧૭ના રોજથી જીએસટીનો કાયદો અમલમાં આવ્યો હતો. ત્યારબાદ વેપારીઓની સાથે સાથે સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટને તેમાં સમજવા માટે લાંબો સમય વીતી ગયો હતો, પરંતુ જીએસટી પોર્ટલની ખામીઓને કારણે રિટર્ન ભરવામાં અનેક સમસ્યાઓ સર્જાતી હતી. આ કારણોસર સર્વર યોગ્ય રીતે કાર્યરત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. છેવટે સર્વરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. છેવટે સર્વર ધીમું પડી જવાની સમસ્યાનો થોડાક અંશે નિકાલ થયો હતો. પરંતુ પાંચથી છ મહિના સુધી સર્વર યોગ્ય રીતે કાર્યરત થયા બાદ ફરી પાછી એ જ સમસ્યા આવીને ઊભી રહી જતી હતી. તેમાં પણ ખાસ કરીને જીએસટી રિટર્ન ભરવાને આડે ગણતરીના ચારથી પાંચ દિવસ બાકી હોય ત્યારથી આ સમસ્યામાં સતત વધારો થતો હોય છે. આવી જ સમસ્યાનો સામનો છેલ્લા ત્રણેક દિવસથી વેપારીઓની સાથે સાથે જીએસટી રિટર્ન ભરનારાઓ તમામ લોકો કરી રહ્યા હતા. આ અંગે અનેક ફરિયાદો બાદ જીએસટી પોર્ટલ પર સર્વરની ટેકનિકલ ખામી હોવાના લીધે છેલ્લા બે દિવસથી રિટર્ન ફાઇલ કરવામાં તકલીફ પડી રહી છે તેવું સ્વીકારવામાં આવ્યું છે. આ કારણોસર તાત્કાલિક અસરથી જીએસટી ૩બી રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૨૦ હોય તેમાં એક દિવસનો વધારો કરીને ૨૧ તારીખ કરી આપવામાં આવી છે. જેથી વેપારીઓને દંડ ભરવો નહીં પડે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
