News of Monday, 27th July 2026
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેના પ્રસ્તાવિત FTA મુદ્દે રાજકીય સંગ્રામ: ભારતીયો માટે 'વિશેષ વિઝા' સવલતો ધરાવતો ગુપ્ત દસ્તાવેજ જાહેર કરવાનો સરકારે સ્પષ્ટ ઇનકાર કર્યો
નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સના સનસનાટીભર્યા આરોપો બાદ રાજકારણ ગરમાયું; ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે માહિતીની ગુપ્તતા ટાંકી વિનંતી ફગાવી

વેલિંગ્ટન, તા.૨૭: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (Free Trade Agreement - FTA) હેઠળ ભારતીય નાગરિકો માટે ખાસ ઇમિગ્રેશન અને વિઝા નીતિની યોજનાઓ પર ન્યુઝીલેન્ડના શાસક ગઠબંધનમાં મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સ દ્વારા પ્રસ્તાવિત 'વિશેષ વિઝા નીતિ' અંગે સનસનાટીભર્યા દાવા કર્યા બાદ જાહેર થયેલી વિનંતી છતાં, ન્યુઝીલેન્ડ સરકારે આ સંબંધિત ગુપ્ત સરકારી બ્રીફિંગ પેપર જાહેર કરવાનો સત્તાવાર રીતે ઇનકાર કરી દીધો છે.
શું છે સમગ્ર વિવાદ અને દસ્તાવેજનો મુદ્દો?
ગયા જૂન મહિનામાં નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સે સંસદમાં 'ભારત-ન્યુઝીલેન્ડ FTA ના અમલીકરણ: વિગતવાર નીતિ ડિઝાઇન અને સમયરેખા' નામના ગુપ્ત દસ્તાવેજનો ઉલ્લેખ કરીને રાજકીય ક્ષેત્રે વિસ્ફોટ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે એવી વિઝા જોગવાઈઓને મંજૂરી આપી છે, જે અન્ય દેશોના અરજદારોની સરખામણીએ ભારતીય નાગરિકોને વધુ પસંદગીનો અને વિશેષ વ્યવહાર આપે છે.
પીટર્સે એવો પણ ગંભીર આરોપ મૂક્યો હતો કે ભારતમાં આ અંગે કેવી પ્રતિક્રિયા આવશે તેની ચિંતામાં અધિકારીઓએ આ સુધારાઓને જાહેરમાં જાહેર ન કરવા માટે ચર્ચાઓ કરી હતી. પીટર્સ અને તેમના પક્ષના સાથી શેન જોન્સે અગાઉ પણ ચેતવણી આપી હતી કે આવી નીતિઓથી દેશમાં સ્થળાંતર (Migration) ખૂબ વધી જશે અને ન્યુઝીલેન્ડના સ્થાનિક નાગરિકોની તકો છીનવાઈ જશે.
સરકારે દસ્તાવેજ રોકવા પાછળ આપ્યું આ કારણ
જાહેર પ્રસારણકર્તા RNZ ન્યૂઝ દ્વારા 'સત્તાવાર માહિતી અધિનિયમ' (Official Information Act) હેઠળ આ ગુપ્ત દસ્તાવેજ મેળવવાની વિનંતી કરવામાં આવી હતી. જોકે, ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે આ વિનંતીને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે:
• આ નીતિગત દરખાસ્તો હાલમાં સક્રિય વિચારણા હેઠળ છે, તેથી અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચેની સલાહ-સૂચનોની ગુપ્તતા જાળવવી જરૂરી છે.
• માહિતી સાર્વજનિક કરવા પાછળનો જાહેર હિતનો તર્ક, નીતિગત ગુપ્તતા જાળવવાની જરૂરિયાત કરતાં વધુ મોટો નથી.
• અંતિમ નિર્ણયો લેવાયા પછી માહિતી જાહેર કરવામાં આવશે, પરંતુ મૂળ બ્રીફિંગ પેપર પ્રકાશીત કરી શકાય નહીં.
વડા પ્રધાન અને વેપાર મંત્રીનું વલણ
સરકારે નાયબ વડા પ્રધાન પીટર્સના તમામ દાવોઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. વેપાર મંત્રી ટોડ મેકક્લેએ કહ્યું કે પીટર્સ ખોટા છે અને તેમણે "માત્ર મત મેળવવા માટે ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરવું જોઈએ". વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને પણ આ આરોપો ફગાવતા જણાવ્યું હતું કે મુક્ત વેપાર કરારો (FTA) ના ભાગરૂપે વિવિધ દેશો સાથે વિશિષ્ટ વિઝા વ્યવસ્થા અંગે વાટાઘાટો કરવી એ રાજદ્વારી નીતિઓનો સામાન્ય ભાગ છે.
હાલમાં આ મુદ્દે મીડિયા સંસ્થા RNZ એ લોકપાલ (Ombudsman) સમક્ષ ફરિયાદ નોંધાવી છે જેથી દસ્તાવેજ જાહેર થાય અને જનતા સત્ય જાણી શકે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
